ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધતા પરિસ્થિતિ દિવસેને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કેસ સામે આવ્યા બાદ હવે સંક્રમણથી પીડિત દર્દીઓમાં આ બીમારીના નવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. જેમાં ગળા, ફેફસા અને મગજ બાદ તેની અસર પેટ પર જોવા મળી રહી છે. દિલ્હીના 2 સરકારી હોસ્પિટલોમાં દાખલ 70 ટકા કોરોના દર્દીઓને પેટમાં દુખાવો, ઉલ્ટીઓ અને ઝાડાની સમસ્યાઓ વધુ થઈ રહી છે. ડૉક્ટર્સે જણાવ્યું કે, સંક્રમણના બદલાતા સ્વરૂપથી તેના લક્ષણોમાં પણ ફેરફાર જોવા મળી રહ્યાં છે.
રાજીવ ગાંધી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના એક ડૉક્ટરે જણાવ્યું કે, ગત સપ્તાહે દાખલ થયેલા 70 ટકા દર્દીઓમાં પેટમાં દુખાવો, ઉલ્ટીઓ અને ઝાડા થવા જેવા નવા લક્ષણો જોવા મળ્યા હતા. ગત 1 વર્ષમાં પ્રથમવાર કોરોના પીડિતોને આ સમસ્યાઓ થતી હોવાનું જોવા મળ્યું છે. મોટાભાગના દર્દીઓ ગંભીર સ્થિતિવાળા છે. જેમને અન્ય બીમારીઓ પણ છે. દર્દીઓના સેમ્પલ તપાસ માટે મોકલવામા આવી રહ્યાં છે, જેથી જાણી શકાય કે કયા નવા સ્ટ્રેનના કારણે દર્દીઓમાં નવા લક્ષણો જોવા મળી રહ્યાં છે.
કોરોનાવાયરસને કાબૂમાં લેવા માટે લગાવાયેલા લોકડાઉનના એક વર્ષ પછી પણ સ્થિતિ સારી નથી. એક્ટિવ કેસ સતત વધી રહ્યા છે અને મોતનો આંકડો પણ ફરી એકવાર ગતિ પકડી રહ્યો છે. 24 માર્ચની સવાર સુધી 24 કલાકમાં 47 હજાર 262 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 275 મોત નોંધાયાં. ફેબ્રુઆરીના મુકાબલે માર્ચમાં 20% વધુ મોત થયાં છે. મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં કેસ ઝડપથી વધ્યા છે અને આ જ રાજ્યોમાં મોતનો આંકડો પણ ઝડપથી વધી રહ્યો છે.
નોંધનિય છે કે, 24 માર્ચ સુધી 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 28699 કેસ નોંધાયા. એના પછી પંજાબ (2254) અને કર્ણાટક (2010)માં નવા કેસ સામે આવ્યા. સૌથી વધુ 132 મોત પણ મહારાષ્ટ્રમાં નોંધાયાં. એના પછી પંજાબ (53) અને છત્તીસગઢ(20)માં મોત થયાં છે. જે રાજ્યોમાં કોવિડ-19 કેસોની સંખ્યા નથી વધી રહી કે ઓછી છે, ત્યાં મોત નહિવત છે. 24 માર્ચની સવાર સુધી 12 રાજ્ય એવાં હતાં, જ્યાં એકપણ કોવિડ-19થી મોત થયું નહોતું, જેમાં ઓડિશા, લક્ષદ્વીપ, લદાખ, મણિપુર, દાદરા અને નગર હવેલી, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ, ત્રિપુરા, આંદામાન-નિકોબાર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ સામેલ છે.