મુંબઇના ભાંડુપ સ્થિત મોલના ત્રીજા માળે આવેલી સનરાઈઝ નામની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 10 દર્દીઓ નાં મૃત્યુ નીપજ્યાં છે. જો કે, હોસ્પિટલમાં દાખલ 70 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 22 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આગને કાબૂમાં લેવા પહોંચી હતી. હોસ્પિટલમાં રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.
આ મોલ 2009માં બનાવવામાં આવ્યો હતો. આ મોલ માં લગભગ 1000 જેટલી નાની દુકાનો, 2 બેંકવેટ હૉલ અને એક હોસ્પિટલ છે. કોરોનાની હોસ્પિટલ શરૂ કરવા માટે ગયા વર્ષે કંડિશનલ ઓસી આપવામાં આવ્યું હતું. મોલ વિવાદિત રહ્યો છે અને ચાર વર્ષ પહેલા NCLTએ એક એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરેલ છે.
મુંબઇના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે આગના કારણો હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે મેં પહેલીવાર મોલમાં હોસ્પિટલ જોઈ છે. આ કેસમાં કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ કહ્યું કે હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ સહિત 70 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.