વીમા કંપનીઓની દાદાગીરી સામે ગ્રાહકની મોટી જીત! ‘બીમારી છુપાવી’ હોવાનું બહાનું કાઢનાર ટાટા AIA ને કોર્ટે બરાબરની પાઠ ભણાવ્યો!
આંધ્રપ્રદેશમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે વીમા કંપનીઓની જોહુકમી સામે સામાન્ય માણસની મોટી જીત સમાન છે. માત્ર 8 દિવસ પહેલાં પોલિસી ખરીદ્યા બાદ એક મહિલાનું અવસાન થયું હતું, જેના લીધે વીમા કંપનીએ દાવો (ક્લેમ) નકારી દીધો હતો. પરંતુ, આંધ્રપ્રદેશના ગ્રાહક ફોરમે (Consumer Commission) આ મામલે ઐતિહાસિક ચુકાદો આપતા પીડિત પરિવારની તરફેણમાં નિર્ણય સંભળાવ્યો છે. ફોરમે વીમા કંપનીની દલીલોને ફગાવી દઈને મૃતક મહિલાના પતિ અને તેના ત્રણ પુત્રોને 20.25 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે.

8 દિવસમાં જ મોત થતાં કંપનીએ ક્લેમ ફગાવ્યો હતો
સમગ્ર મામલાની વિગત એવી છે કે, ડિસેમ્બર 2022માં આંધ્રપ્રદેશની એક મહિલાએ પોતાના જીવન પર ટાટા એઆઈએ કંપની પાસેથી 20 લાખ રૂપિયાની વીમા પોલિસી ખરીદી હતી. મહિલાએ 1 ડિસેમ્બર 2022ના રોજ 3,122 રૂપિયાનું પ્રીમિયમ ભર્યું હતું, અને આ પોલિસી 1 ડિસેમ્બર 2022 થી 1 ડિસેમ્બર 2023 સુધીના એક વર્ષના સમયગાળા માટે માન્ય હતી.
પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. પોલિસી શરૂ થયાના માત્ર 8 જ દિવસ બાદ, એટલે કે 9 ડિસેમ્બર 2022ના રોજ અચાનક હાર્ટ અટેક (હૃદયરોગનો હુમલો) આવવાને કારણે મહિલાનું અવસાન થયું હતું. પત્નીના અવસાન બાદ, નામાંકિત (Nominee) તરીકે પતિએ વીમા કંપની સમક્ષ જરૂરી તમામ દસ્તાવેજો સાથે વીમાની રકમ મેળવવા માટે ક્લેમ દાખલ કર્યો હતો.
જોકે, વીમા કંપનીએ 21 ઓગસ્ટ 2023ના રોજ આ ક્લેમ એવું કહીને રિજેક્ટ (Repudiated) કરી દીધો કે મહિલાનું મોત પોલિસી લીધાના માત્ર 8 દિવસમાં જ થઈ ગયું હતું. કંપનીએ એવો આક્ષેપ પણ કર્યો કે મહિલાને પહેલાંથી જ છાતીમાં દુખાવાની (Chest Pain) તકલીફ હતી અને પોલિસી ફોર્મ ભરતી વખતે તેમણે આ મેડિકલ હિસ્ટ્રી છુપાવી હતી.
ગ્રાહક ફોરમમાં કાનૂની લડાઈ અને પરિવારની જીત
વીમા કંપની દ્વારા ક્લેમ નકારી દેવામાં આવતા પીડિત પરિવાર ભાંગી પડ્યો હતો. પરંતુ તેમણે હાર ન માની અને મહિલાના પતિ તથા તેમના ત્રણ પુત્રોએ એડવોકેટ બી. વી. શિવા રામા ક્રિષ્ના મારફતે કન્ઝ્યુમર કમિશનમાં ટાટા એઆઈએ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. પરિવારે કોર્ટમાં ભારપૂર્વક જણાવ્યું કે મૃતક મહિલા ક્યારેય કોઈ ગંભીર બીમારીથી પીડાતા નહોતા અને કંપની સમક્ષ કોઈ પણ હકીકત છુપાવવામાં આવી નથી.
બીજી તરફ, વીમા કંપનીના વકીલે દલીલ કરી હતી કે પતિએ પોતે જ ક્લેમ ફોર્મમાં મૃત્યુનું કારણ હાર્ટ સ્ટ્રોક દર્શાવ્યું હતું. કંપનીએ ટૂંકા ગાળામાં થયેલા મૃત્યુને શંકાસ્પદ ગણાવીને ક્લેમ આપવાનો ઈનકાર કર્યો હતો.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કમિશનના પ્રમુખ ડી. શ્રીદેવી અને સભ્યો વાય. સુંદરા રાવ તથા ડૉ. એસ. એ. સમીરાની બેન્ચે ચુકાદો આપ્યો હતો. કમિશને જણાવ્યું કે:
“સામેવાળો પક્ષ (ટાટા એઆઈએ) એ સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા રજૂ કરી શક્યો નથી કે મહિલાને પોલિસી લેતા પહેલાંથી જ કોઈ બીમારી હતી. આથી, વીમા કંપની દ્વારા ક્લેમ નકારી કાઢવાનો નિર્ણય તદ્દન ગેરવાજબી અને ખોટો હતો. કંપનીના આ વલણને કારણે પીડિત પરિવારે આર્થિક નુકસાનની સાથે ભારે માનસિક શોષણ પણ સહન કરવું પડ્યું છે.”

ગ્રાહકો માટે આ ચુકાદો શા માટે મહત્વનો છે?
કમિશને વીમા કંપનીને આદેશ આપ્યો છે કે તેઓ પરિવારને વીમાની મૂળ રકમ 20 લાખ રૂપિયા અને માનસિક ત્રાસ તેમજ કાનૂની ખર્ચના વળતર પેટે બીજા 25, હજાર રૂપિયા મળીને કુલ 20.25 લાખ રૂપિયા ચૂકવે.
આ ચુકાદો દેશના લાખો વીમાધારકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણીવાર એવું જોવા મળે છે કે વીમા કંપનીઓ પોલિસી વેચતી વખતે ગ્રાહકોને મોટી-મોટી વાતો કરે છે, પરંતુ જ્યારે ક્લેમ ચૂકવવાનો સમય આવે ત્યારે ‘પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝ’ (પહેલાંની બીમારી) અથવા ‘માહિતી છુપાવી હોવાના’ ટેકનિકલ બહાના હેઠળ ક્લેમ રિજેક્ટ કરી દે છે. આ ચુકાદાએ સ્પષ્ટ કરી દીધું છે કે માત્ર શંકાના આધારે વીમા કંપનીઓ ક્લેમ નકારી શકે નહીં, જો કંપની કોઈ આક્ષેપ કરે છે તો તેણે કોર્ટમાં તેના મેડિકલ પુરાવા પણ આપવા પડશે.