સિંગાપોરના વૈજ્ઞાનિકોએ ફણસ (જેકફ્રૂટ) જેવા દેખાતા ફળમાંથી એન્ટિબેક્ટેરિયલ જેલ બેન્ડેજ બનાવી છે. આ બેન્ડેજને લગાવતા જ બેક્ટેરિયલ ઈન્ફેક્શન, નાની મોટી ઈજા, ઘા ઝડપથી મટી જાય છે. જે ફળનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને દક્ષિણપૂર્વ એશિયમાં ‘ફળોનો રાજા’ કહેવામાં આવે છે. તેને ડ્યુરિયન હસ્ક કહેવામાં આવે છે. બહારથી તેમાંથી દુર્ગંધ આવે છે પરંતુ ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે. ડ્યુરિયન હસ્ક દેખાવમાં બહારથી એકદમ ફણસ જેવું લાગે છે. સિંગાપોરમાં નાનયાંગ ટેક્નોલોજી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આ ફળની કાંટાવાળી છાલને કચરો સમજીને ફેંકી દેવામાં આવે છે. અંદરનો ભાગ અને બી ખાવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ જેલ બનાવવા માટે છાલનો પણ ઉપયોગ કર્યો. વૈજ્ઞાનિકોએ ડ્યુરિયન હસ્ક ફળમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળા સેલ્યુલોઝને કાઢી. તેને ગ્લિસરોલ સાથે મિક્સ કરીને એક સોફ્ટ જેલ બનાવવામાં આવી. તે એકદમ સિલિકોન શીટ જેવી દેખાય છે. તેને કોઈપણ આકારમાં કટ કરી શકાય છે. ખાસવાત એ છે કે ગ્લિસરોલ સાબુ અને બાયોડીઝલ ઈન્ડસ્ટ્રીમાંથી કાઢવામાં આવતી બાય-પ્રોડક્ટ છે. એટલે કે નકામી વસ્તુમાંથી કામની વસ્તુ તૈયાર કરવામાં આવે છે.
