ડોગ્સ દિવ્યાંગ લોકોની અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં સૈનિકોની મદદ કરશે.ભારતની અલગ અલગ સુરક્ષા એજન્સીઓ પાસે લગભગ ૩૦૦ જેટલાં તાલીમબદ્ધ ડોગ્સ છે. આ ડોગ્સ અમુક વર્ષોની સેવા પછી નિવૃત્ત થાય છે. અત્યારે નિવૃત્ત થયેલા ડોગ્સને એનજીઓને આપી દેવામાં આવે છે અથવા તો તાલીમ પામેલા ડોગ્સ માટે બનાવાયેલા રીટાર્મેન્ટ હોમમાં તેમનું બાકીનું જીવન પૂરુ થાય છે.આ ડોગ્સની તાલીમનો ઉપયોગ અન્ય રીતે કરવાનું કેટલાય સમયથી વિચારાઈ રહ્યું હતું. એ મુદ્દે એક કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ચર્ચા થઈ હતી. એમાં એવો નિર્ણય લેવાયો હતો કે વિવિધ સુરક્ષા એજન્સીઓની સેવામાંથી નિવૃત્ત થયેલા ડોગ્સની થેરાપી ડોગ્સ તરીકે મદદ લેવાશે. આ થેરાપી ડોગ્સ હોસ્પિટલના બિછાને પડેલાં ઘાયલ સૈનિકોથી લઈને દિવ્યાંગ લોકોની અને સ્પેશિયલ ચાઈલ્ડની મદદ કરશે.આ પહેલ માટે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સે પાંચ નિવૃત્ત થયેલાં ડોગ્સને થેરાપી ડોગ્સ બનાવવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તેના ભાગરૂપે પાંચ ડોગ્સ ચંડીગઢની આઈટીબીપીની હોસ્પિટલમાં મદદ કરવા લાગ્યા છે. હોસ્પિટલમાં આ શ્વાનો દર્દીઓ સાથે સમય વીતાવે છે અને તેમની સાથે રમતો રમે છે.
