વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. જ્યારે, ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ચાલુ રાખવામાં આવી છે. પરંતુ આવી શાળાઓમાં બાળકોની સંખ્યા ખૂબ જ ઓછી છે.તાજેતરમાં જ તમામ પ્રાથમિક શાળાના બાળકોની તા.૧૫ થી ૨૨ માર્ચ દરમિયાન પરીક્ષાઓ લેવામાં આવી હતી. જે દરમિયાન અપડાઉન કરતા તેમજ રોજ સ્કૂલોમાં હાજરી આપતા અનેક શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે કહ્યું છે કે, અમારા અંદાજ પ્રમાણે વડોદરા જિલ્લાના આઠ તાલુકાના ૧૦૭ પ્રાથમિક શિક્ષકો કોરોનાથી સંક્રમિત છે. જે પૈકીના મોટાભાગના શિક્ષકો હોમ ક્વોરેન્ટાઇન છે. તો બીજીતરફ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સંપર્ક કરતાં તેઓ રજા પર હોવાનું જણાવવામાં આવ્યું છે.વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને ઘેર જઇને પરીક્ષા લેવાની કામગીરી સોંપાતા તેમના સંપર્કમાં આવેલા અનેક બાળકો કોરોનાના કેરિઅર બન્યા હોવાની પણ દહેશત સેવાઇ રહી છે. વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાના ધોરણ ૩ થી ૫ના વિદ્યાર્થીઓની પરીક્ષા તેમને ઘેર જઇને લેવાની સૂચના આપવામાં આવી હતી. શિક્ષકે પરીક્ષાના પ્રશ્નપત્રો ઘેર આપી કલેક્ટ પણ કરવાના હતા. આ ઉપરાંત ધોરણ ૬ થી ૮ ના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા સ્કૂલમાં આવ્યા ન હોય તેમને પણ ઘેર જઇને પ્રશ્નપત્ર આપી પરત લઇ આવવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિતના આગેવાનોએ ભારે વિરોધ કર્યો હોવા છતાં તેમના વિરોધની નોંધ લેવાઇ નહતી.
