બળાત્કાર કેસમાં પીડિત મહિલાએ શું કરવું જોઈએ પીડિત મહિલા કે બાળકીએ પોતાના પરિવાર કે ઓળખીતા લોકોને આ વાતની તરત જાણ કરવી. મેડિકલ ટેસ્ટ થાય ત્યાં સુધી પીડિતાએ નાહવું ન જોઈએ અને કપડાં પણ ન બદલવાં જોઈએ મહિલાએ મેડિકલ ટેસ્ટ થાય ત્યાં સુધી વૉશરૂમનો ઉપયોગ પણ ન કરવો. પોલીસ સ્ટેશન નજીકમાં ન હોય તો પીડિતાનો મેડિકલ ટેસ્ટ તાત્કાલિક કરાવી લેવો જોઈએ. પોતાના કોઈ સ્વજનને જાણ કર્યા પછી પોલીસ પાસે FIR નોંધાવવાની હોય છે. FIR નોંધાવવા માટે મહિલા પોતાની સાથે સ્વજનને પણ લઈ જઈ શકે છે.
સામાન્ય રીતે, જ્યાં ઘટના બની હોય એ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવે છે. એવું પણ બની શકે કે ફરિયાદ નોંધાવતી વખતે ત્યાંનો પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનનો હવાલો આપીને બીજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા કહે, પણ ભારતનું બંધારણ એ અધિકાર આપે છે કે કોઈપણ પોલીસ સ્ટેશનમાં ઘટના સંબંધિત ઝીરો FIR નોંધાવી શકાય. આનો અર્થ એ છે કે કોઈપણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકાય છે અને પછી એ ફરિયાદ સંબંધિત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
પીડિતાને વકીલ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી પોલીસની રહેશે, પોલીસ સ્ટેશનમાં શું શું થશે એ જાણો
બળાત્કાર થવાની ફરિયાદ નોંધાવવા આવેલી મહિલાને પોલીસે એ વાતની જાણ કરવી જરૂરી છે કે FIR નોંધાવવા માટે તેને એક વકીલ ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે. મહિલાએ વકીલ શોધવા જવાનું નહીં. એ પોલીસનું કામ છે કે મહિલાને વકીલ સાથે મેળવે. કોઈપણ સવાલનો જવાબ આપતાં પહેલાં વકીલ ઉપલબ્ધ કરાવી આપવાની માગણી કરી શકાય છે. જે આવી ઘટનાઓમાં મહિલાઓની મદદ કરે છે તે વકીલોની યાદી દરેક પોલીસ સ્ટેશનમાં ઉપલબ્ધ હોય છે. આ વકીલ પીડિતાને મેડિકલ હેલ્પ એટલે કે તબીબી સહાય અપાવવામાં પણ મદદ કરે છે. દરેક પોલીસ સ્ટેશનમાં ચોવીસેય કલાક મહિલા હેડ કોન્સ્ટેબલ હાજર હોય છે. એવું માનવામાં આવે છે કે બળાત્કાર કેસમાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વધુ સંવેદનશીલ હોય છે, પણ એ જરૂરી નથી. ફરિયાદ નોંધાવવા આવેલી મહિલાનું નિવેદન અંગત હોય છે. એ દરમિયાન ત્યાં ફક્ત એક પોલીસ અધિકારી અને એક મહિલા કોન્સ્ટેબલ હાજર રહી શકે છે. નિવેદન એવી જગ્યાએ નોંધવામાં આવે છે જ્યાં કોઈ એ વાતો સાંભળી ન શકે. દિલ્હી હાઈ કોર્ટ અનુસાર, આ દરમિયાન મહિલા સાથે તેનું એક સ્વજન હાજર રહી શકે છે. નિવેદન નોંધ્યા પછી મહિલાને મેડિકલ તપાસ માટે હૉસ્પિટલ લઈ જવામાં આવે છે.
ટેસ્ટ દરમિયાન ટુ ફિંગર ટેસ્ટ ન કરવો
હૉસ્પિટલમાં લેવામાં આવશે નમૂના.દરેક હૉસ્પિટલમાં એક રેપ કિટ હોય છે, જેનાથી એ જાણી શકાય છે કે પીડિતાએ પહેલાં જાતીય સંબંધ બાંધ્યા છે નહીં. આનાથી લોહીના ડાઘ, વીર્યના ડાઘ, નખ, વાળ, પેશાબ અને બાકીની ચીજોના નમૂના એકઠા કરવામાં આવે છે, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવાના હોય છે. ડૉક્ટર લેવાયેલા નમૂનાઓને એક ફૉર્મ પર લખે છે. એની એક નકલ પોલીસને આપવામાં આવે છે. કેટલીક હૉસ્પિટલ ટુ ફિંગર ટેસ્ટ કરે છે, પણ એ ગેરકાયદે છે. 2011માં જ સરકારે આ ટેસ્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. રેપ ટેસ્ટ કિટ માટે બધા જ નમૂનાઓ આપ્યા પછી પીડિત મહિલા સ્નાન કરી શકે છે.