ગુજરાતમાં આગની ઘટનાઓ જાણે કે, સામાન્ય બાબત થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રાજ્યમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. વિસનગરની સૌથી મોટી ડાયમંડ ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ છે. વિસનગરની સમર્થ ડાયમંડ નામની હીરાની ફેક્ટરીમાં આગ ફાટી નીકળતા લોકોમાં ભયનો માહોલ ઊભો થઇ ગયો છે. જો કે, આ મામલાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવાનો સંપૂર્ણ પ્રયાસ હાથ ધર્યો છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ થોડાંક દિવસો પહેલાં અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલી પી એન્ડ ટી બિલ્ડિંગમાં આગ લાગતા ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. બિલ્ડિંગના સાતમાં માળે ACમાં બ્લાસ્ટ થવાથી ભયાનક આગ લાગી હતી. જો કે આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તેઓએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે, સદનસીબે દુર્ઘટનામાં કોઇ પણ જાતની જાનહાનિ ન હોતી થઇ.આ સિવાય થોડાંક દિવસો અગાઉ અમદાવાદ શહેરના એસ.જી હાઇવેના બાલેશ્વર સ્કેવર બિલ્ડીંગમાં પણ ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો.
