ફરી એકવાર આઇપીઓમાં રોકાણકારોને બખ્ખા થયા અને તગડુ રિટર્ન મળ્યુ છે. આજે મંગળવારે Nazara Technologiesના શેર 1,101 રૂપિયાની ઈશ્યૂ પ્રાઈસની સામે સ્ટોક એક્સચેન્જ પર 81 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટ થયા. કંપનીના શેર બીએસઈ પર 79.01 ટકાની બઢત સાથે 1,971 રૂપિયે લિસ્ટ થયા. પછી શેર 84 ટકા ઉછળીને 2,026.90 રૂપિયે પહોંચ્યા. એનએસઈ પર શેર 80.74 ટકાના ઉછાળા સાથે 1,990 રૂપિયે લિસ્ટ થયા.
Nazara Technologiesના આઈપીઓને 175.46 ગણુ સબસ્ક્રીશન મળ્યું હતું. જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા દ્વારા સમર્થિત નજારા ટેક્નોલોજીસને વર્લ્ડ કપ ક્રિકેટ પર ગેમ, છોટા ભીમ અને મોટૂ-પતલૂ કાર્ટુન સીરિઝ માટે ઓળખવામાં આવે છે.
દેશની ટોચની ઇ-સ્પોર્ટસ મીડિયા અને ઇ-ગેમિંગ કંપનીઓમાં કંપનીનો સમાવેશ થાય છે. આ કંપની વર્લ્ડ ક્રિકેટ ચેમ્પિયનશિપ (ડબલ્યુસીસી) માટે મોબાઇલ ગેમ્સ અને કેરોમક્લેશ, છોટા ભીમ, મોટુ પતલુ સીરિઝ જેવી ગેમમાં જાણીતી છે. તેની સબસીડિયરી કંપની નોડવિંગ ગેમિંગ દેશભરમાં વિવિધ ગેમિંગ ઇવેન્ટ્સનું આયોજન કરે છે. આફ્રિકા, મધ્ય પૂર્વ, દક્ષિણ પૂર્વ એશિયા અને લેટિન અમેરિકા સહિત, જેમાં ભારત સહિત વિશ્વના 60 દેશોમાં નજારા ટેક્નોલોજીસનો વ્યવસાય ફેલાયેલો છે.
Nazara Technologiesની નાણાકીય વર્ષ 2020માં કંપનીની આવક 46% વધી રૂ. 247.51 કરોડ થઈ છે. તે જ રીતે, નાણાકીય વર્ષ 2019માં નફો 556.2% વધીને 6.71 કરોડ રૂપિયા થયો છે. નજારા ટેકના સરેરાશ માસિક વપરાશકર્તાઓ વર્ષ 2019-20માં 4.01 કરોડ હતા, જ્યારે વર્તમાન નાણાકીય વર્ષમાં ડિસેમ્બર સુધી એટલે કે 9 મહિનામાં, આ સંખ્યા વધીને લગભગ 5.75 કરોડ થઈ ગઈ છે.