અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી વખત કોરોનાએ સમગ્ર ગુજરાતમાં માથું ઉચક્યું છે. ત્યારે ગુજરાત સહિત આખા દેશમાં વર્ષ 2020માં માર્ચ મહિનામાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતું, ત્યાર બાદ કોરોનાનો ભારે કોહરામ મચ્યો હતો. રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી કોરોનાના પોઝિટિવ કેસનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ અમદાવાદની બે મોટી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વિધાનસભા ગૃહમાં પણ નેતાઓ કોરોનાના ભરડામાં આવી ગયા છે એવામાં ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જે.બી. પારડીવાલા હાઇકોર્ટના 5 સિનિયર મોસ્ટ જજમાંના એક છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટના ૩ જજ કોરોના સંક્રમિત થયા હતાં. જેમાં જસ્ટિસ એ.સી રાવ, જસ્ટિસ આર.એમ સરીન અને જસ્ટિસ જી. આર. ઉધવાણી કોરોના સંક્રમિત થયા હતાં. જસ્ટિસ જી.આર. ઉધવાણીનું કોરોના સંક્રમણના કારણે મોત થયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યાં છે, જેથી સૌથી ખરાબ પરિસ્થિતિની કલ્પના કરીને રાજ્ય સરકાર અત્યારે સજ્જ થાય અને પૂરતી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો અને બેડની વ્યવસ્થા કરે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટની ઘણાં સમયથી ખાલી પડેલી જગ્યાઓ અંગે હાઇકોર્ટે રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી અને આ અંગે જવાબ રજૂ કરવા પણ નિર્દેશ કર્યો હતો.
ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે નોંધ્યું છે કે કોરોનાની પરિસ્થિતિ માંડ થાળે પડી હતી ત્યારે સ્થાનિક ચૂંટણીઓ દરમિયાનના બેદરકારીભર્યા વલણના કારણે સમગ્ર ચિત્ર બગડયું છે. રાજ્ય સરકારની રજૂઆત છે કે કોરોનાને કળવો મુશ્કેલ છે. અત્યારની પરિસ્થિતિના કારણે કોરોનાની ત્રીજી લહેર આવે તેવી પણ શક્યતા છે. તેથી સરકાર ખરાબ પરિસ્થિતિની કલ્પના કરી તૈયાર રહે અને પૂરતી કોવિડ હોસ્પિટલ અને બેડ તૈયાર રાખે. આ ઉપરાંત મોટાં શહેરોમાં ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવે અને માસ્કના નિયમનું અતિ કડકાઇથી પાલન કરાવવામાં આવે.’