એક નાના એવાં કોરોના વાયરસે સમગ્ર દેશમાં કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે મહારાષ્ટ્ર બાદ હવે દિલ્હીમાં પણ વધતા જતા કોરોનાના કેસને જોતા દિલ્હી એરપોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે રાજ્યોમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યાં છે, તે રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓનો એરપોર્ટ પર રેન્ડમ કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. જે પ્રવાસીઓ કોરોના પોઝિટિવ નીકળશે તેમને ફરજીયાત ક્વારેન્ટાઈનમાં રહેવું પડશે.ડીડીએમએ દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું કે, ‘સેમ્પલ લીધા બાદ મુસાફરોને એરપોર્ટ બહાર જવાની મંજૂરી રહેશે. જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય તો તેને ત્યાં જ રહેવું પડશે અને ત્યાં જ ક્વોરન્ટાઈન થવું પડશે અથવા તો તેણે 10 દિવસ માટે હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન થવું પડશે.’આ સાથે જ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendar Jain) એ જણાવ્યું કે, ‘આજથી જ અમે કોરોના તપાસ વધારીને પ્રતિદિન 80 હજાર કરી દઇશું. ગઇ કાલે સરકારે કોરોના દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલોમાં ICU વોર્ડોમાં 220 બેડ વધારવાનો આદેશ રજૂ કર્યો છે. આ સાથે જ જૈનએ એમ પણ જણાવ્યું કે, ‘દિલ્હીમાં વર્તમાનમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં માત્ર 25% બેડ ભરેલાં છે.’આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા જારી તમામ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પણ અનિવાર્ય રહેશે. બીજી બાજુ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ થોડાં દિવસો પહેલાં એવો નિર્દેશ આપ્યો હતો કે, આગામી તહેવારો કે જેમાં ધૂળેટી ને નવરાત્રિ, શબ-એ-બારાત જેવાં સાર્વજનિક ઉત્સવ અને કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લાગશે.સાર્વજનિક સ્થળો પર બજાર, ધાર્મિક સ્થળોમાં કાર્યક્રમોની પરવાનગી પણ નહીં આપવામાં આવે. જારી આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, વિશ્વમાં કોરોના મહામારીને લઇને સરકાર ખૂબ જ સંવેદનશીલ છે. દિલ્હીમાં સતત કેસો વધી રહ્યાં છે એવામાં દિલ્હીમાં પણ તહેવારો દરમ્યાન કોઇ પણ સાર્વજનિક સ્થળોએ ઉત્સવોનું આયોજન કરવા પર પ્રતિબંધ રહેશે.
