ગુજરાતમાં હવે સરકારી કર્મચારીઓમાં પણ કોરોનાના કેસો વધતાં ફફડાટ મચ્યો છે ત્યારે સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીને કોરોના થશે તો તેને 10 દિવસની રજા મળી રહેશે. કોઈ કર્મચારીની રજા જમા ના હોય તો ખાસ રજા તરીકે મંજૂરી અપાશે. આમ કોરોના પોઝિટીવ આવતા સરકારી કર્મચારીઓ માટે આ રાહતના સમાચાર છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલ કોરોનાથી સંક્રમિત બની ગયા છે. મહત્વનું છેકે સચિવાલયમાં ગઈકાલે કોરોના વિસ્ફોટ થયો હતો. એક જ દિવસમાં 30 કર્મચારીઓને કોરોના થયો છે. સચિવાલયના ટેસ્ટીંગ સેન્ટરમાં આ સમગ્ર હકીકત સામે આવી છે. એક જ દિવસમાં સચિવાલય ખાતે કુલ 132 કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાયા છે. સચિવાલયમાં કોરોના વિસ્ફોટ થતાં કર્મચારીઓમાં ડરનો માહોલ પ્રસરી ગયો છે.
સરકારી કર્મચારીઓને લઇ મહત્વનો નિર્ણય
- મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો રાજ્યના સરકારી કર્મચારીઓ-ફીકસ પગારના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય.
- આવા કર્મચારીઓ જો કોરોના સંક્રમિત થાય તો તેમને ૧૦ દિવસની ખાસ રજા આપવામાં આવશે.
- મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે જો કોઇ સરકારી કર્મચારીની રજા જમા નહિ હોય તો પણ તેને આ ખાસ રજા આપવામાં આવશે.
- આ ૧૦ દિવસની રજાનો લાભ ફિકસ પગારના કર્મચારીઓ તથા તમામ પ્રકારના કરાર આધારિત કર્મચારીઓને પગાર સાથે આપવામાં આવશે.
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે નેતાઓ કોરોનાની ગાઈડલાઈનને નેવે મુકી બેફામ રીતે કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. આવું કઈક મહેસાણા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં બન્યુ. સામાન્ય સભા દરમ્યાન ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યુ. જોકે, અહીં આવેલા તમામ લોકો સોશિયલ ડિસ્ટંસ ભૂલી ગયા. આવી બીજી ઘટના પાલિતાણામાં બની.. અહીં પાલીતાણા એપીએમસીની ચૂંટણીમાં તમામ 16 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો વિજેતા બનતા જીતની ઉજવણી કરવામાં આવી. જે દરમ્યાન કોરોનાના નિયમોને નેવે મુકવામાં આવ્યા. તો આ તરફ રાજકોટની મધ્યસ્થ જેલ અને વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓને કોરોનાની રસી આપવામાં આવી.દેશમાં કોરોના વાઈરસની નવી લહેરમાં મહારાષ્ટ્ર એપિસેન્ટર બનતું જોવા મળી રહ્યું છે. છેલ્લાં અમુક દિવસથી મહારાષ્ટ્રમાં 25 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આ દરમિયાન બીએમસી કમિશ્નર ઈકબાલ સિંહ ચહલે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ કહ્યું હતું કે, મુંબઈમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ચૂકી છે. મુંબઈમાં છેલ્લા 49 દિવસોમાં 91 હજાર કોરોના નવા કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 80 ટકાથી વધુ એટલે 74 હજાર કેસમાં લોકોમાં કોરોનાના કોઈ લક્ષણ નહોતા. જ્યારે 17 હજાર લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. જે લોકો કોરોના પોઝિટિવ છે અને તેમનામાં કોઈ લક્ષણ નથી જોવા મળી રહ્યાં તેમને પણ કોરોના પોઝિટિવનો સ્ટેમ્પ લગાવવામાં આવી રહ્યો છે. જો આવા લોકો સાર્વજનિક સ્થળોએ લોકોને મળે છે તો તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે.