પૃથ્વી પરની સીમાચિહ્ન સમાન ઘટના કહી શકાય તેમ પરગ્રહવાસીઓ(એલિયન)ની ખોજ માટે છેલ્લા ૩૭ વર્ષથી કાર્યરત અમેરિકા સ્થિત સંસ્થા ‘સર્ચ ફોર એકસ્ટ્રાટેરિસ્ટ્રીયલ ઇન્ટેલિજન્સ’ (સેટી) એ નેવાડા સ્ટેટના અફાટ રણ પ્રદેશમાંથી અંતે પરગ્રહ જેવો માનવી શોધી કાઢ્યો છે. વિશ્વના પાંચ દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જર્મની અને ઇટાલીના એસ્ટ્રો વિજ્ઞાાનીઓની બનેલી આ સંસ્થા આ પરગ્રહવાસીને અમેરિકાના સમય પ્રમાણે રાત્રે ૯.૩૦ વાગે અને ભારતીય સમય પ્રમાણે આવતીકાલે સવારે ૧૦.૦૦ વાગે ત્યાંની ટીવી ચેનલ પર રજુ કરશે અને ભારત સહિત વિશ્વની ન્યુઝ ચેનલ્સ પર આ ઐતિહાસિક ઘટનાનું જીવંત પ્રસારણ કરશે. વિજ્ઞાાનીઓ આ પરગ્રહ માનવીના કદ, દેખાવ કે તે કઈ ભાષામાં વાતચીત કરે છે તેવું કંઇપણ કહેવાનો ઇન્કાર કરે છે. તેઓએ તેમના ઓનલાઇન મેસેજમાં સમય જણાવી એટલું જ લખ્યું છે કે ‘સે હેલો ટુ અવર ન્યુ ફ્રેન્ડ ઓન ધ પ્લેનેટ અર્થ…. ઓફ કોર્સ એન એલ્યિન…’. નાસા અને ‘સેટી’એ ભૂતકાળમાં પણ એવો દાવો કર્યો છે કે તેમને ‘એરિયા ૫૧’ કે જે નેવાડામાં યુનાઇટેડ સ્ટેટ્સ એર ફોર્સની ટેસ્ટિંગ અને ટ્રેનિંગ રેન્જ છે તેના હજારો ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા રણપ્રદેશના આકાશમાં ઉડ્ડયન ટ્રાયલ દરમ્યાન પરગ્રહવાસીઓના સિગ્નલ મળ્યા છે. તે પછી ‘પ્રોજેક્ટ યુએફઓ’ (પ્રોજેક્ટ અનઆઇડેન્ટીફાઇડ ફલાઇંગ ઓબ્જેકટ્સ)ની ૧૩ હપ્તાની શ્રેણીમાં પરગ્રહવાસીઓના સંકેતો, આકાશમાં માનવ જેવા દેખાતા ઠિંગણા કદના એલિયન પ્રકાશ તરંગી આકૃતિઓ સાથે દેખા દઇને ગાયબ થઇ જતા હોય તેવું નિરૂપણ પણ કરાયું હતું.