મુંબઇઃ ભારતમાં ડિજિટલ ક્રાંતિની શરૂઆત થઇ ચૂકી છે અને તેમાંય કોરોના મહામારીના સંકટકાળમાં ઇન્ટરનેટ અને નવી ટેકનોલોજીથી મોટું પરિવર્તન આવ્યુ છે. અત્યાર સુધી રોકડ વ્યવહારમાં માનતા ભારતીયો હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ વળી રહ્યા છે.
વર્ષ ૨૦૨૦માં ૨૫.૫૦ અબજ રિઅલ ટાઈમ પેમેન્ટસ ટ્રાન્ઝકશન્સ સાથે ભારત ચીન કરતા આગળ રહ્યું હતું. ચીનનો આ આંક ૧૫.૭૦ અબજ રહ્યો હતો. ૨૦૨૦માં દેશમાં થયેલા કુલ પેમેન્ટસમાંથી કેશ અને ચેક આધારિત પેમેન્ટસનો હિસ્સો ૬૧.૪૦ ટકા રહ્યો હતો જ્યારે ઈલેકટ્રોનિક તથા ઈન્સ્ટન્ટ પેમેન્ટસનો હિસ્સો ૩૮.૫૦ ટકા રહ્યો હતો.
દેશમાં આગામી પાંચ વર્ષમાં ડિજિટલ પેમેન્ટસની માત્રામાં ઝડપી વધારો જોવા મળશે અને ૨૦૨૫ સુધીમાં કુલ પેમેન્ટસના ૭૧.૭૦ ટકા પેમેન્ટસ ડિજિટલ પેમેન્ટસ હશે એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું. પેમેન્ટસના અન્ય માધ્યમો કેશ અને ચેકનો હિસ્સો ઘટીને ૨૮.૩૦ ટકા પર આવી જશે એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૨૫ સુધીમાં સ્થિતિ એકદમ બદલાઈને ઈલેકટ્રોનિકસ તથા ઈન્સ્ટન્ટ પેમેન્ટસનો હિસ્સો વધી ૭૧.૭૦ ટકા પર પહોંચી જશે અને કેશ તથા અન્ય પેપર આધારિત પેમેન્ટસની માત્રા ઘટી ૨૮.૩૦ ટકા પર આવી જવાની ધારણાં છે. એકંદર ઈલેકટ્રોનિકસ ટ્રાન્ઝકશન્સમાં રિઅલ ટાઈમ પેમેન્ટસનું વોલ્યુમ ૨૦૨૪માં વધીને ૫૦ ટકાથી વધુ જોવા મળશે.
દેશમાં ઈ-પેમેન્ટસની માત્રા વધારવા સરકાર, આરબીઆઈ, બેન્કો તથા ફાઈનટેક કંપનીઓ સાથે મળીને પ્રયાસો કરી રહ્યા છે. કોરોનાની મહામારીએ દેશમાં ઉપભોગતાઓ, બેન્કો, વેપારીઓ તથા ઈન્ટરમીડિઅરિસની પેમેન્ટસ પદ્ધતિમાં જોરદાર ફેરબદલ કરી નાખ્યા છે.
વર્ષ ૨૦૨૦માં રિઅલ ટાઈમ ટ્રાન્ઝકશન્સ પાર પાડવામાં ભારત, ચીન, દક્ષિણ કોરિઆ, થાઈલેન્ડ તથા યુકે ટોચના પાંચ દેશો રહ્યા હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.