મુંબઇઃ કોરોના સંકટકાળમાં રોકાણકારોને જંગી કમાણી કરાવ્યા બાદ ભારતીય શેરબજારની નવા નાણાંકીય વર્ષ 2021-22ના પહેલા દિવસે પ્રોત્સાહક શરૂઆત થઇ છે. નવા નાણાંકીય વર્ષના પહેલા દિવસ જે સેન્સેક્સ-નિફ્ટી વધીને બંધ થયા હતા. આજે સેન્સેક્સ 521 પોઇન્ટના સુધારામાં 50,030ના સ્તરે બંધ રહ્યો છે. તો નિફ્ટી પણ 177 પોઇન્ટ વધીને 14867ના સ્તર પર બંધ થયો હતો. શેરબજારમાં પાવર અને મેટલ કંપનીઓના શેર સૌથી વધુ વધ્યા હતા.
આજે ગુરુવારના રોજ શેરબજારમાં સાર્વત્રિક સુધારો જોવા મળ્યો હતો. જેમાં એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સને બાદ કરતા તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં હતા. આજે મિડકેપ ઇન્ડેક્સ 1.7 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ બે ટકા વધ્યા હતા. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસની વાત કરીયે તો મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ 5.4 ટકા મજબૂત થયો હતો અને તેના 12માંથી 10 શેર વધ્યા હતા. તો પાવર ઇન્ડેક્સ 2.7 ટકા, ટેલિકોમ 2 ટકા, ઓટો દોઢ ટકા, બેન્કેક્સ 1.9 ટકા, કેપિટલ ગુડ્સ ઇનડેક્સ 1.7 ટકા વધ્યા હતા.
આજે સેન્સેક્સના 30માંથી 26 બ્લુચિપ સ્ટોક વધ્યા હતા. તો નિફ્ટીના 50માંથી 41 બ્લુચિપ સ્ટોક વધ્યા હતા. આજે બીએસઇ ખાતે લિસ્ટેડ 2137 કંપનીઓના શેર વધીને જ્યારે 752 કંપનીના શેર ઘટીને બંધ થતા શેરબજારની માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી હતી.
નવા નાણાંકીય વર્ષના પ્રથમ દિવસે જ રોકાણકારોને શેરબજારમાં સારી એવી કમાણી થઇ છે. આજે ગુરુવારે બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓનું બજાર મૂલ્ય લગભગ 3 લાખ કરોડ રૂપિયા જેટલુ વધીને 207.26 લાખ કરોડ રૂપિયા થયુ હતુ.