નવી દિલ્હીઃ વૈશ્વિક બુલિયન બજારમાં ઝડપી રિકવરીથી સ્થાનિક બજારમાં પણ સોના-ચાંદીમાં ઝડપી ઉછાળો આવ્યો છે. સ્થાનિક બજારમાં સોનાની કિંમતો ઝડપથી ઉછળીને 46,000 રૂપિયાને કુદાવી ગઇ છે. સોનાની પાછળ ચાંદી પણ આજે મોંઘી થઇ હતી.
નવા નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ દિવસે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાની કિંમતમાં 881 રૂપિયાનો ઉછાળો આવ્યો અને પ્રતિ 10 ગ્રામની કિંમત 44,701 રૂપિયા થઇ હતી. તો ચાંદીમાં પણ 1071 રૂપિયા ઉછળીને 63,256 રૂપિયા પ્રતિ એક કિગ્રા થઇ હતી.
તો અમદાવાદના ઝવેરી બજારમાં સોનામાં 900 રૂપિયાનો ઉછાળો આવ્યો અને પ્રતિ 10 ગ્રામની કિંમત 46,000 રૂપિયાની સપાટીને કુદાવી 46,700 રૂપિયા થઇ હતી. તો ચાંદીમાં 500 રૂપિયાની રિકવરી નોંધાઇ અને પ્રતિ એક કિગ્રાની કિંમત 65,000 રૂપિયા થઇ હતી. ગઇકાલે સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ દીઠ 45,800 રૂપિયા થઇ હતી જે છેલ્લા 11 મહિનાનો સૌથી નીચો ભાવ છે. તો ચાંદીની કિંમત 64,500 રૂપિયા પ્રતિ એક કિગ્રા થઇ હતી.
આજે વૈશ્વિક બજારમાં સોનું ફરી ઝડપથી ઉછળીને 1700 ડોલરની મહત્વપૂર્ણ સપાટીને કુદાવી જવામાં સફળ રહ્યુ છે. આજે વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 10 ડોલર જેટલી વધીને 1719 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ અને ચાંદી સુધરીને 24.48 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. વૈશ્વિક બજારમાં નીચા ભાવે રોકાણકારોએ ગોલ્ડ ફ્યૂચરમાં જંગી લેવાલી કરતા કિંમતી ધાતુઓના ભાવ ઝડપથી વધ્યા છે એવું બુલિયન એનાલિસ્ટોનું માનવુ છે. ઉપરાંત હજી પણ વૈશ્વિક અર્થવ્યવસ્થાતંત્ર ઉપર કોરોના મહામારીનું સંકટ યથાવત્ છે.