નફ્ફટ પાકિસ્તાન સુધરે તેવી હાલ કોઇ શક્યતા દેખાતી નથી. કારણ કે એક દિવસ પહેલા જ ભારત સાથે લગભગ પોણા બે વર્ષ બાદ વેપાર શરૂ કરવાના પ્રસ્તાવના મંજૂરી આપ્યા બાદ બીજા દિવસે તેને રદ કરી દીધો છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારતમાંથી ખાંડ અને કપાસની આયાત કરવાના પ્રસ્તાવને આપેલી મંજૂરી રદ કરી દીધી છે. ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાનની ઇકોનોમિક કોઓર્ડિનેશન કમિટી (ECC)એ ભારતમાંથી કોટન અને ખાંડની આયાત કરવાના પ્રસ્તાવને એક દિવસ પહેલા જ બુધવારે મંજૂરી આપી હતી, તેને પાકિસ્તાન સરકારે રદ કરી દીધી છે.
અછત સર્જાતા પડોશી દેશ પાકિસ્તાનની કમિટીએ ભારતમાંથી ખાંડ અને કોટનની આયાત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ નિર્ણય બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 19 મહિના બાદ ફરી વેપારી કામકાજ શરૂ થવાની આશા જાગી હતી, જો કે તેની ઉપર ફરી પાણી ફરી વળ્યુ છે.
પાકિસ્તાનના માનવાધિકાર બાબતોના મંત્રી શિરીન માઝારીના મતે પીએમ ઇમરાન ખાને સ્પષ્ટતા કરી છે કે ભારતની સાથે સંબંધો ત્યાં સુધી સમાન્ય નહીં થાય જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 ફરી લાગુ કરવામાં ન આવે. પાકિસ્તાનની કમિટીએ ભારતમાં પાંચ લાખ ટન ખાંડની આયાત કરવાના અને ભારતમાં કપાસની આયાત ઉપર મૂકાયેલો પ્રતિંબંધ પર હટાવી લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.