વિખ્યાત શાહબાનો કેસને જીવંત રાખનાર આતિયા સાબરી સર્વોચ્ચ અદાલતમાં ટ્રિપલ તલાક સામેનો જંગ જીતીને દેશમાં ભરણપોષણ મેળવનારી પ્રથમ મુસ્લિમ મહિલા બની છે. આતિયાની અરજીની સુનાવણી કરી તેના પર ચૂકાદો આપતાં સહારનપુરની ફેમિલિ કોર્ટે આતિયાના પતિને તેની બે સગીર વયની પુત્રીઓના ખર્ચ તથા ભરણપોષણ પેટે દરમહિનાની દસમી તારીખે દરેકને સાત સાત હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે.નોંધપાત્ર બાબત એ છે કે અદાલતે આતિયાના પતિને આ ભરણપોષણની રકમ આતિયાએ જે દિવસથી કોર્ટમાં કેસ દાખલ કર્યો તે દિવસથી ચૂકવવા માટે જણાવી છે. જસ્ટિસ નરેન્દ્રકુમારે આપેલા આ ચૂકાદાને પગલે આતિયા સાબરીને બાકી લેણાં પેટે 13.44 લાખ રૂપિયા અને હવે દર મહિને 21,000 રૂપિયા તેના પતિએ ચૂકવવા પડશે.વાજિદ અલીએ મહેર એટલે કે દહેજ પૂરતું ન લાવી હોવાથી અને માત્ર પુત્રીઓને જન્મ આપ્યો હોવાથી તેની બેગમ આતિયા સાબરીને ટ્રિપલ તલાક આપ્યા હતા. આતિયાએ આ તલાક સ્વીકારવાની ના પાડી હતી અને 24 માર્ચ 2015માં સહારનપુર કોર્ટમાં તેના તલાકને ગેરકાયદે જાહેર કરવા અને ભરણપોષણ મેળવવા માટે અરજી દાખલ કરી હતી. 22માર્ચે અદાલતે તેની ભરણપોષણની અરજીને ગ્રાહ્ય ગણી હતી. દેશમાં મોદી સરકારે ત્રિપલ તલાક રદ કર્યા પછી બનાવેલા મુસ્લિમ વિમેન (પ્રોટેકશન ઓફરાઇટસ ઓન મેરેજ) એક્ટ 2019માં પસાર થયો તે પછી આતિયા આ કાયદાની જોગવાઇ અનુસાર ભરણપોષણ મેળવનારી પ્રથમ મુસ્લિમ મહિલા બની છે.
