મુંબઇઃ સોના-ચાંદીમાં ફરી ઉછાળો આવતા તેના ભાવ વધી રહ્યા છે. આજે સ્થાનિક બજારમાં સોનાના ભાવ બે વર્ષ પહેલા બનેલી વર્ષના નીચા સ્તરેથી ઝડપથી ઉછળીને એક મહિની ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. જે આગામી સમયમાં સોનું ફરી મોંઘુ થવાના સંકેત આપી રહ્યું એવું દેખાય છે.
આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાની કિંમત 300 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ ફરી 47,000 રૂપિયા થઇ છે. જે છેલ્લા એક મહિનાનો સૌથી ઉંચો ભાવ છે. આમ છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં 1200 રૂપિયાનો ઝડપી ઉછાળો આવ્યો છે. સોનાની જેમ આજે ચાંદીમાં પણ મોટો ઉછાળો આવ્યો હતો. આજે શુક્રવારે સ્થાનિક બજારમાં ચાંદીની કિંમતમાં 1000 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો અને પ્રતિ એક કિલોગ્રામની કિંમત વધીને 66,000 રૂપિયા થઇ હતી જે છેલ્લા એક સપ્તાહનો સૌથી ઉંચો ભાવ છે.
રસપ્રદ છે કે, બુધવારે સ્થાનિક બજારમાં સોનાની કિંમત ઘટીને 46,000 રૂપિયાની નીચે 45,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી જે છેલ્લા એક વર્ષનો સૌથી નીચો ભાવ છે.
આજે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ ઝડપથી વધ્યા હતા. સોનાનો વૈશ્વિક ભાવ 22 ડોલર ઉછળીને 1731 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયો હતો. તો ચાંદીની કિંમત પણ સુધરીને 25 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની ઉપર જતી રહી હતી. ટકાવારીની રીતે આજે સોનું સવા ટકા અને ચાંદી 2.1 ટકા ઉછળી હતી. કોરોના વાયરસનો કહેર ફરી વધ્યો તો સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી શકે છે.