નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરને લઇને ભયંકર આગાહી કરવામાં આવી છે. ભારતમાં રોજ જે રીતે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા હવે સ્વાસ્થ્ય વિભાગ સાથે સંકળાયેલી એજન્સીઓએ ચોંકાવનારુ અનુમાન લગાવ્યુ છે. એજન્સીનું કહેવું છે કે, આગામી દિવસોમાં ભારતમાં રોજ કોરોનાના નવા એક લાખ દર્દીઓ સામે આવે તેવી શકયતા છે. દેશમાં હાલ દરરોજ 50 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. જેના પગલે સ્વાસ્થ્ય એજન્સીઓ અને સરકારની ચિંતા વધી રહી છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના તમામ રાજ્યોને વધારેને વધારે ટેસ્ટિંગ કરવા માટે તેમજ રસીકરણ વધારવા માટે નિર્દેશ આપ્યો છે.
દેશમાં જે રીતે નવી લહેરમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે તે જોતા સ્વાસ્થ્ય મંત્રાલયના નિષ્ણાતોનુ કહેવું છે કે, દેશમાં વધી રહેલા કોરોનાના કેસ માટે કોરાના વાયરસની વધેલી મારક ક્ષમતા અને લોકોની બેદરકારી જવાબદાર છે. આરોગ્ય વિભાગના નિષ્ણાતોના મતે લોકોએ હાલમાં વધારે એલર્ટ થવાની જરૂર છે. કારણ કે, આ વાયરસ ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અને જે રીતે નવા કેસ સામે આવી રહ્યા છે તે જોતા હવે દર્દીઓનો આંકડો વધી શકે છે.
હાલ દેશમાં કોરોનાના 80 ટકા દર્દીઓ પાંચ રાજ્યોમાંથી આવી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્ર, કેરળ કર્ણાટક, છત્તીસગઢ અને પંજાબનો સમાવેશ થાય છે. જેથી આ તમામ રાજ્યની સરકારની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.