મુંબઇઃ ભારતની એક અગ્રણી કાર કંપની સામે રૂ.71 કરોડની કરચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તે અંગે સરકારી તપાસ વિભાગ દ્વારા 105 પાનાંની નોટિસ પણ ફટકારવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) અને કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ઉપર 71 કરોડ રૂપિયાની કસ્મટ્સ ડ્યૂટીની ચોરીનો આક્ષેપ મૂક્યો છે અને કંપનીને શો-કોઝ નોટીસ ફટકારી છે. તપાસ એજન્સીએ અર્ટિગા, સિયાઝ અને એસ-ક્રોસની માટે શંકાસ્પદ હાઇબ્રિડ ટેકનોલોજીનો ઉપયોગ કરવા બદલ આ 105 પાનાની શો-કોઝ નોટિસ મોકલી છે.
કસ્ટમ્સ વિભાગના સુત્રોના મતે DRI લખનઉ બ્રાન્ચે મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડને 71 કરોડ રૂપિયાની સંભવિત કથિત કરચોરી કરવા બદલ 105 પાનાના શો-કોઝ નોટિસ ફટકારી છે. તે સુત્રોનું કહેવુ છે કે, આ મામલે વધુ એક નોટીસ મોકલવાની તૈયારી થઇ રહી છે, જેમાં 70 કરોડ રૂપિયાની કથિત કરચોરીનો આરોપ છે. તો મારૂતિ સુઝુકીએ આ કેસને વિવાદિત ગણાવ્યો છે અને કંપનીએ હાલ આ મામલે કોઇ નિવેદન આપવા ઇન્કાર કર્યો છે અને જણાવ્યુ કે તેઓ આ કેસમાં જરૂરી કાયદાકીય સલાહ-સૂચનો મેળવશે.
પ્રાપ્ત મીડિયા અહેવાલો મુજબ આ કેસ 2019માં સામે આવ્યો હતો જ્યારે આ મામલે લખનઉ DRI એ તપાસ શરૂ કરી અને જાણવા મળ્યુ કે મારુતિ સુઝુકી કંપની મોટર જનરેટર યુનિટ (MGU) કે સ્માર્ટ હાઇબ્રિડ વ્હિકલ ફ્રોમ સુઝુકી (SVHS) ટેકનોલોજી વાળા એન્જિનની માટે ઓલ્ટરનેટરનો પ્રયોગ કરી રહી છે. તપાસ એજન્સીનું કહેવુ છે કે, આ ટેકનોલોજી સંપૂર્ણપણે હાઇબ્રિડ ટેકનોલોજી નથી.