લંડનઃ ફ્રાન્સ બાદ હવે બ્રિટનમાં પણ કોરો વાયરસ મહામારીએ ફરી ઉથલો માર્યો છે. કેનેડાના ઓન્ટારિયોમાં ઝડપભેર ફેલાઇ રહેલાં કોરોના વાઇરસના ચેપને નિયંત્રણમાં લેવા માટે એક મહિના માટે લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. બીજી તરફ બ્રાઝિલમાં કોરોનાના એક જ દિવસમાં 94,000 કેસો નોંધાયા છે અને 3769 જણાના મોત થયા છે. પાકિસ્તાન, ફ્રાન્સ અને તુર્કીમાં પણ કોરોનાના કેસોમાં મોટો વધારો જણાયો છે.
કેનેડાના ઓન્ટારિયોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાને પગલે લોકડાઉન જાહેર કરીને હોટલ-રેસ્ટોરાંને બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર જરૂરી ચીજવસ્તુઓની દુકાનો પર 50 ટકા લોકોને ખરીદી કરવાની તક આપવામાં આવશે. કેનેડામાં સારી એવી વસ્તી ધરાવતાં ઓન્ટારિયોમાં રોજના સરેરાશ ચાર હજાર કેસ નોંધાવા માંડયા છે. દુનિયામાં આજે કોરોનાના નવા 2,35,230 કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા 130,400,244 થઇ હતી. જ્યારે આજે કોરોનાના કારણે 3699 જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક 28,43,486 થયો હતો.
બીજી તરફ યુકેએ જ્યાં પ્રવાસ કરવાની બંધી છે તેવા દેશોના રેડ લિસ્ટમાં ફિલિપાઇન્સ, કેન્યા, પાકિસ્તાન અને બાંગલાદેશનો ઉમેરો કર્યો છે. આ દેશોમાં જવા-આવવા પરનો પ્રતિબંધ નવ એપ્રિલથી અમલમાં આવશે. 40 દેશોના રેડ લિસ્ટમાંથી આવતાં પ્રવાસીઓને ઇંગ્લેન્ડમાં પ્રવેશ નકારવામાં આવશે. માત્ર બ્રિટિશ અને આઇરિશ નાગરિકોને જ દેશમાં પ્રવેશવા દેવામાં આવશે અને તેમણે સરકારી માન્યતા પ્રાપ્ત ક્વોરન્ટાઇન સુવિધામાં 10 દિવસ ગાળવા પડશે.
બીજી તરફ બ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોનાના 91,000 કરતાં વધારે કેસો નોંધાયા છે અને 3769 જણાના મોત થયા છે. માત્ર માર્ચ મહિનામાં જ કોરોનાએ બ્રાઝિલમાં 66,000 કરતાં વધારે લોકોનો ભોગ લીધો છે. ફ્રાન્સમાં પણ એક જ દિવસમાં 50,000 કરતાં વધારે કેસ નોંધાયા હતા અને 308 જણાના મોત થયા હતા. તો તુર્કીમાં પણ એક જ દિવસમાં 40,000 કરતાં વધારે કોરોનાના કેસ નોંધાયા હતા.