ગાંધીનગરઃ શું તમે સોનું-ચાંદી ખરીદવા માટે જઇ રહ્યા છો? તો સૌથી પહેલા તેમના ભાવ જાણવા તમારા માટે બહુ જ જરૂરી છે. કારણ કે તાજેતરમાં ઘટેલા ભાવથી સોના-ચાંદી ઘણા મોંઘા થઇ ગયા છે. તો જાણી લો આજના ભાવ..
અમદાવાદના બુલિયન બજારમાં અઠવાડિયાના છેલ્લા દિવસ એટલે કે શનિવારે સોનું 47,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમતે સ્થિર રહ્યુ હતુ. તો જો કે ચાંદી 800 રૂપિયાના ઉછાળામાં 66,800 રૂપિયા પ્રતિ એક કિગ્રા થઇ હતી. ગઇકાલે સ્થાનિક બજારમાં ચાંદીની કિંમત 66,000 રૂપિયા હતી.
વૈશ્વિક સોનું 1700 ડોલરની નીચે ઉતરી જતા સ્થાનિક બજારોમાં ગત બુધવારે પણ સોનું એક વર્ષની નીચી સપાટીએ ઉતરી ગયુ હતુ. જેમાં ગત બુધવારે સ્થાનિક બજારમાં સોનાની કિંમત 46,000 રૂપિયાની સપાટી તોડી 45,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. તો તે દિવસ ચાંદીની કિંમત પણ ઘટીને 64,500 રૂપિયા પ્રતિ એક ગ્રામ થઇ હતી.
જો કે ત્યારબાદ વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઝડપથી ઉછળતા સ્થાનિક સ્તરે પણ તેની અસર થઇ અને સોના-ચાંદીમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો.
સપ્તાહના અંતે વૈશ્વિક બુલિયન બજારમાં સોનું 1731 ડોલર અને ચાંદી 26 ડોલર પ્રતિ ટ્રોય ઐંસના સ્તરે સેટલ થયા હતા.
દેશ અને દુનિયામાં ફરી જીવલેણ કોરોના મહામારી વધી રહી છે જેનાથી વૈશ્વિક અર્થતંત્રની રિકવરીને મોટો ફટકો લાગવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. જેના લીધે ફરી રોકાણકારો કિંમતી ધાતુઓ તરફ વળતા સોના-ચાંદીના ભાવ કદાચ આગામી દિવસોમાં હજી વધવાની સંભાવના છે.