મુંબઇઃ ભારતના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં ફરી ઘટાડો નોંધાયો છે. ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ એટલે કે વિદેશી હૂંડિયામણ ભંડોળ 26 માર્ચે પૂરા થતા સપ્તાહે 2.986 અબજ ડોલર ઘટીને 579.285 અબજ ડોલર રહ્યું છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના શુક્રવારે જારી આંકડામાં આ જાણકારી મળી છે. આ અગાઉ 19 માર્ચે પૂરા થતા સપ્તાહમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વ 23.3 કરોડ ડોલર વધીને 582.271 અબજ ડોલર થઈ ગયું હતું. આ અગાઉ 29 જાન્યુઆરી 2021ના રોજ પૂરા થતા અઠવાડિયે વિદેશી હૂંડિયામણ ભંડોળ 590.185 અબજ ડોલરની રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચી ગયું હતું.
રિઝર્વ બેન્કના આંકડા અનુસાર, 26 માર્ચે સપ્તાહમાં વિદેશી મુદ્રા સંપતિઓ (FCA)માં ઘટાડાને કારણે કુલ મુદ્રા ભંડારમાં ઘટાડો આવ્યો છે. વિદેશી મુદ્રા સંપતિઓ, કુલ વિદેશી મુદ્રા ભંડારનો મહત્વપૂર્ણ ભાગ હોય છે. રિઝર્વ બેન્કના સાપ્તાહિક આંકડા અનુસાર, સમીક્ષાધીન સમયગાળામાં એફસીએ 3.226 અબજ ડોલર ઘટીને 537.953 અબજ ડોલર રહી ગયું છે. એફસીએને ડોલરમાં દર્શાવવામાં આવે છે, પરંતુ આમાં યૂરો, પાઉન્ડ અને યેન જેવા અન્ય વિદેશી ચલણ સંપતિઓ પણ સામેલ હોય છે.
રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણે, સમીક્ષાધીન સપ્તાહમાં દેશનું ગોલ્ડ રિઝર્વ 27.6 કરોડ ડોલર વધીને 34.907 અબજ ડોલર રહ્યું છે. આંકડા અનુસાર, સમીક્ષાધીન સપ્તાહમાં દેશને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ)માં પ્રાપ્ત વિશેષ વિડ્રો અધિકાર 90 લાખ ડોલર ઘટાડીને 1.49 અબજ ડોલર રહ્યું. આ રીતે આઈએમએફ પાસે રિઝર્વ મુદ્રા ભંડાર પણ 2.7 કરોડ ડોલર ઘટીને 4.935 અબજ ડોલર રહ્યું છે.