મુંબઇઃ કોરોના મહામારી અને આર્થિક મંદીના માહોલ વચ્ચે ભારતમાં એક સૌથી મોટો બંગલો વેચાયો છે જે કોઇ રેસિડેન્શિયલ પ્રોપર્ટીની અત્યાર સુધીની સૌથી મોટો ડીલ ગણાય છે. દક્ષિણ મુંબઇના પોશ વિસ્તાર ગણાતા માલાબાહ હિલ્સ સ્થિત એક બંગલો 1,001 કરોડમાં વેચાયો છે. સૌથો મોંઘો બંગલો વેચાતા ચારેય બાજુ ચર્ચા થઇ રહી છે કે કોણે આ આટલો મોંઘો ખરીદયો છે, ચાલો જાણીયે….
લોકપ્રિય રિટેલ સ્ટોર ચેઇન ડી-માર્ટના સ્થાપક અને દેશના સૌથી મોટા ધનાઢ્યોમાં સ્થાન ધરાવતા રાધાકૃષ્ણ દામાણીએ ભારતનો આ સૌથી મોંઘો બગલો ખરીદ્યો છે. રાધાકૃષ્ણ દામાણીએ દક્ષિણ મુંબઇના માલાબાર હિલ્સમાં 1001 કરોડ રૂપિયામાં બંગલો ખરીદયો છે. દામાણીએ પોતાના નાના ભાઇ ગોપીકિશન દામાણીની સાથે મળીને આ આલીશાન બંગલો ખરીદયો છે. ગ્રાઉન્ડ ફ્લોરની સાથે બે માળાના આ બંગલો મધુકુંજ નારાયણ દાભોલકર માર્ગ પર 1.5 એકરથી વધારે વિસ્તારમાં ફેલાયો છે અને તેનોં કુલ બિલ્ટ અપ એરિયા લગભગ 61,916 વર્ગ ફુટ છે. ધનાઢ્ય રાધાકૃષ્ણ દામાણીએ આ બંગલો ખરીદવા માટે પ્રતિ સ્ક્વેર ફુટ રૂ. 1,61,670 રૂપિયાની ચૂકવણી કરી છે. આ ધોરણે આ ડીલ ભારતમાં સૌથી મોંઘા બંગલાની ડીલ બની ગઇ છે. રેડી રેકનર રેટના આધારે આ બંગલાની માર્કેટ વેલ્યૂ 724 કરોડ રૂપિયા છે.
મીડિયા અહેવાલ મુજબ આ ડીલ ચાલુ સપ્તાહમાં થઇ છે અને સ્ટેમ્પ ડ્યૂટી પેટે 30 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. અલબત્ત એ વાત સ્પષ્ટ થઇ નથી કે આ પ્રોપર્ટીને રિડેવલપ કરાશે કે હાલની સ્થિતિમાં તેનો ઉપયોગ કરાશે. આ અંગે રાધાકૃષ્ણ દામાણી દ્વારા કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. ઉલ્લેખનિય છે કે, રાધાકૃષ્ણ દામાણીએ પાછલા બે મહિનામાં પ્રોપર્ટીનો આ ત્રીજો સોદો કર્યો છે.