પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રવિવારે કોરોના સંબંધિત મુદ્દાઓ અને વેક્સિનેશન પર એક હાઈ-લેવલ બેઠક યોજી હતી. જેમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના સેક્રેટરી જનરલ, સ્વાસ્થ્ય સચિવ, ડૉ. વિનોદ પૉલ સહિત અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓએ હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે વીતેલા દિવસોમાં કોરોનાના 93 હજાર કેસો સામે આવતા આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોદીએ કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે યોગ્ય ઉપાયો હાથ ધરવા અંગે ચર્ચા વિચારણા કરી હતી. જેમાં એક્ટિવ કેસોની તપાસ અને કન્ટેઈનમેન્ટ ઝોનના મેનેજમેન્ટમાં સમુદાયિક સ્વયંસેવકોની ભાગીદારી અંગે પણ ચર્ચા થઈ હતી.
તેમજ આગામી તા. 6થી 14 એપ્રિલ સુધી સરકાર કોરોનાની ગાઈડલાઈન પાળવા, માસ્કનો ઉપયોગ, વ્યક્તિગત સફાઇ અને જાહેર સ્થળ/ વર્ક પ્લેસમાં સેનિટાઈઝેશન માટે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવાશે. PM મોદી એ સંક્રમણના નવા કેસોમાં ગતિ અને મૃત્યુંઆંકને જોતા મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં કેન્દ્રની ટીમ મોકલવામાં આવશે અને કોરોના સંક્રમણ ને ખાળવા માટે પગલાં ભરવા આદેશ આપ્યો છે.
દેશમાં અત્યાર સુધીમાં લગભગ 1.24 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. લગભગ 1.16 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.64 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. 6.87 લાખ લોકોની સારવાર ચાલી રહી છે.
કોરોના વધતા જતા કેસોને ધ્યાને લઇ મહારાષ્ટ્રમાં ધોરણ 1 થી 8ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે ધોરણ 1 થી 8ના તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા વિના જ પાસ કરી દેવામાં આવશે. આગામી આદેશ સુધી તમામ શાળાઓ બંધ રહેશે.
બિહાર સરકારે 12 એપ્રિલ સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શનિવારે CM નીતીશ કુમારની સમીક્ષા બેઠક બાદ તરત જ યોજાયેલી ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રૂપની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓડિશામાં જગન્નાથ મંદિર તા. 4 એપ્રિલથી દર રવિવારે સેનિટાઈઝ માટે બંધ રહેશે. આ સમય દરમિયાન, ભક્તો દર્શન કરી શકશે નહીં. આ નિર્ણય કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
આમ દેશ માં કોરોના નું સંક્રમણ વધતા હવે તબક્કાવાર પગલાં ભરવામાં આવી રહ્યા છે.
