નવી દિલ્હીઃ મોંઘા પેટ્રોલ-ડીઝલથી પરેશાન વાહન ચાલકોને કંઇક રાહત મળવાની આશા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને કોલકતામાં સંકેત આપ્યા કે આગામી દિવસોમાં હજુ પણ ઇંધણ અને રાંધણ ગેસની કિંમત ઘટી શકે છે. તેમણે જણાવ્યું કે તાજેતરના દિવસોમાં પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. અને આગામી દિવસોમાં આ ભાવ હજુ પણ ઓછા થઇ શકે છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટવા લાગી છે. મેં પહેલા પણ કહ્યું હતુ કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ઘટવા લાગશે ત્યારે અમે તેનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડીશું. આગામી દિવસોમાં આ ભાવ હજુ પણ ઘટી શકે છે.
ચૂંટણી પંચ (EC) દ્વારા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાતના તરત પછી 27 ફેબ્રુઆરીના રોજથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હતા. 25 દિવસો સુધી ઇંધણના ભાવ સ્થિર રહ્યા બાદ તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલમાં ક્રમશ: 61 પૈસા, 60 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થયો છે. આ ઉપરાંત ગુરુવારે એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો, જે બાદથી ગ્રાહકોને થોડી રાહત મળી છે. એક રિપોર્ટ મુજબ આવનારા દિવસોમાં ઇંધણના ભાવમાં ઘટાડો જોવા મળશે.
દેશની સૌથી મોટી ફ્યૂલ રિફાઇનર અને રિટેલર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) મુજબ કોરોના વાઇરસના વધી રહેલા કેસોના કારણે યૂરોપ અને એશિયામાં માર્ચના બીજા પખવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. પેટ્રોલિયમ સેક્રેટરી તરુણ કપૂરે જણાવ્યું હતું કે આશા છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ સ્થિર રહેશે, જેથી તેનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચાડી શકાશે. આ ઉપરાંત એક સરકારી રિફાઇનરીમાં કામ કરતા અધિકારીએ જણાવ્યું કે પબ્લિક સેક્ટરની ઓઇલ કંપનીઓને પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવને સ્થિર રાખવા માટે પણ કહેવામાં આવશે, કારણ કે તેઓએ સારો નફો મેળવ્યો છે.