સુરત શહેરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં કોરોના ઉપર કાબૂ મેળવવો મુશ્કેલ થતું જતું હોય એવું લાગે છે. શહેરના મહિધરપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણના કેસ વધતા મોટીશેરી, ભૂતશેરી, નાગરશેરી, મણિયારાશેરી, વાણીયા શેરી, ગલેમંડી મોટીશેરી, ગુંદીશેરીના નાકા આગળ આડાસ મૂકી અને વાંસ, પતરા ઠોકીને બંધ કરી દેવામાં આવ્યા છે. અલગ અલગ આઠથી વધુ શેરીઓ બંધ કરી દેવાની ફરજ પડી છે. તાવના દર્દીની સંખ્યા વધતા નજીકની હોસ્પિટલ દર્દીઓ સંખ્યા વધી રહી છે. તંત્રએ મહિધરપુરા હીરા બજારમાં પ્રવેશવા પહેલાં ફરજિયાત વેક્સિનેશન કરાવવા માટે પ્રયાસ શરૂ કર્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ શેરીઓમાં પ્રવેશ નિષેધ કરી દેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણના કેસ વધતા કોર્પોરેશનની ટીમ દ્વારા બહારના લોકોની અવરજવર ઓછી રહે તે માટેના પ્રયાસો કર્યા છે. લોકોને પણ એકબીજાના સંપર્કમાં ન આવવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. મહિધરપુરા વિસ્તાર જુના સુરત વિસ્તારમાંનો એક છે. જેથી શેરીઓ ખૂબ જ સાંકડી છે અને ગીચ વસ્તીના કારણે અહીં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાય તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા આડસ લગાડવાનું શરૂ કરાયું છે.મહિધરપુરા વિસ્તારમાં હીરા બજાર આવેલું છે. જેને કારણે રોજના હજારોની સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. લોકો ખૂબ ઓછા પ્રમાણમાં વેક્સિનેશન કરાવી રહ્યા છે.
