બારડોલીથી 108માં સુરત સિવિલ હોસ્પિટલ લવાઈ રહેલી કોરોના પોઝિટિવ સગર્ભાની EMT એ ચાલુ એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવી પ્રશંસનીય કામગીરીનું ઉદાહરણ આપ્યું છે. 108 એમ્બ્યુલન્સમાં બાળકીને જન્મ આપનાર વર્ષાની આ પહેલી પ્રસૂતિ હોવાનું પરિવારે જણાવ્યું છે. 9મા મહિને પ્રસૂતિનો દુઃખાવો ઉપડતા પરિવાર બારડોલી સરકારી હોસ્પિટલમાં લઇ ગયા બાદ રિપોર્ટ આવ્યા વગર જ સગર્ભા વર્ષા કોરોના પોઝિટિવ હોવાનું કહી આખી રાત હોસ્પિટલમાં બેસાડી રખાયા હોવાનું પરિવારે જણાવ્યું છે. કલ્પેશ વસાવા (પ્રસૂતાના પતિ)એ જણાવ્યું હતું કે, લગ્નને એક જ વર્ષ થયું છે. અમે ખેડૂત છીએ. આખો દિવસ ખેતીમાં કામ કરીએ છીએ. રાત્રે સગર્ભા વર્ષાને અચાનક પ્રસૂતિનો દુઃખાવો ઉપડ્યો હતો. ડેડીયાપાડાથી અમે વર્ષાને તાત્કાલિક બારડોલી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. લોહીના સેમ્પલ લીધા બાદ વગર રીપોર્ટે ડોક્ટરોએ સગર્ભા વર્ષા કોરોના પોઝિટિવ હોવાનું કહી રાત્રે 2 વાગ્યાથી દાખલ કરી પરિવારને બેસાડી રાખ્યા હતાં. સવાર પડતા જ અમને 108માં સગર્ભા વર્ષા સાથે સુરત સિવિલ હોસ્પિટલ રીફર કરી દીધા હતા.
