ગુજરાતમાં કોરોનાના વધતા જતા રેકોર્ડબ્રેક કેસો નોંધાતા સામાન્ય દિવસોની સરખામણીએ ઓક્સિજનની જરૂરિયાતમાં પણ ત્રણ ગણો વધારો થઇ ગયો છે. જો કે, રાજ્યમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો છે. રાજ્યમાં 4 મોટી કંપનીઓ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. જેમાં શ્રીરામ, લિન્ડે, રિલાયન્સ અને આઇનોક્સનો સમાવેશ થાય છે. ઓક્સિજનનો વપરાશ વધતા કંપનીઓએ ઓક્સિજનનો ભાવ ક્યુબિક મીટર દીઠ 2થી 5 રૂપિયા વધારી દીધો છે. ગુજરાત સરકારે ઓક્સિજન બનાવતી કંપનીઓને આદેશ કરી કુલ સપ્લાય પૈકી 60 ટકા સપ્લાય આરોગ્ય ક્ષેત્રને આપવા જણાવ્યું છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 3160 કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત કોરોનાની રસીકરણની પ્રક્રિયા ચાલુ છે છતાં કોઇ પણ રીતે રાજ્યમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં. રાજ્યમાં આજ રોજ વધુ 3160 નવા કોરોનાના કેસો નોંધાયા છે તો બીજી બાજુ 2028 દર્દીઓ સાજા થયા છે. એટલે કે, અત્યાર સુધીમાં કુલ 3,00,765 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ 93.52 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 16,252 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 167 લોકો વેન્ટિલેટર પર છે અને 16,085 લોકો સ્ટેબલ છે. 3,00,765 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. કુલ 4581 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 15 લોકોનાં દુ:ખદ નિધન થયા છે. જેમાં વાત કરીએ મોતના આંકડાની તો સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 6, ભાવનગર અને વડોદરામાં 1-1 લોકોનાં મોત નિપજ્યાં છે. આ પ્રકારે રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ 15 લોકોનાં મોત નિપજ્યાં છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે જેને લઇને ગુજરાત હાઇકોર્ટે સરકારને આગામી 3 કે 4 દિવસ લોકડાઉન લગાવવાનો નિર્દેશ કર્યો છે. રાજ્યમાં દિવસે ને દિવસે સ્થિતિ વણસી રહી છે જેનું હાઇકોર્ટે અવલોકન કર્યુ છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ સ્ફોટક બની રહી છે. રાજ્યમાં કોરોનાના કેસ રોજ નવા રેકોર્ડ તોડી રહ્યાં છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં લોકડાઉનની જરૂર પડે તેવી સ્થિતિ હોવાનું અવલોકન કર્યું છે. આ ઉપરાંત રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે.