દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોને નિયંત્રણમાં લાવવા અને સાઉદી અરેબિયાની કાચા તેલની કિંમતો ઉંચી રાખવાની મનમાનીથી બચવા માટે સરકાર અમેરિકા અને આફ્રિકા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી વધારશે. ભારત કાચા તેલનો વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો આયાત કરનાર દેશ છે.મોદી સરકારે સાઉદી અરેબિયાને કાચા તેલનું ઉત્પાદન વધારવા આગ્રહ કર્યો હતો જેથી તેની માંગ ઘટાડી શકાય અને કિંમતો નીચી આવે. અગાઉ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કાચા તેલની ઉંચી કિંમતો વિકાસશીલ દેશોના અર્થતંત્રને કોવિડ-19 બાદની સ્થિતિમાંથી બહાર આવવામાં અડચણરૂપ હોવાનું જણાવ્યું હતું.તે સમયે સાઉદી અરેબિયાના પેટ્રોલિયમ મંત્રી પ્રિન્સ અબ્દુલઅજીજ બિન સલમાને ભારતને એવી સલાહ આપી હતી કે, ભારતે 2020માં કિંમતો ઘટી ત્યારે કાચા તેલનો જે સ્ટોક ભેગો કરેલો તેનો ઉપયોગ કરવો જોઈએ. પ્રધાને તે જવાબને ‘અનડિપ્લોમેટિક’ ગણાવ્યો હતો.આ બધા વચ્ચે સરકારે સાર્વજનિક ક્ષેત્રની તેલ કંપનીઓને અમેરિકા અને આફ્રિકા પાસેથી કાચા તેલની ખરીદી વધારવા કહ્યું છે અને સાઉદી પરની કાચા તેલ પરની નિર્ભરતા એક તૃતિયાંશ ઘટાડવા નિર્દેશ આપ્યો છે. એક અહેવાલ પ્રમાણે કંપનીઓ દર મહિને સાઉદીને સરેરાશ 1.48 કરોડ બેરલ કાચા તેલનો ઓર્ડર આપે છે. પરંતુ આ વખતે મે મહિના માટે 95 લાખ બેરલનો જ ઓર્ડર આપવામાં આવ્યો છે.
