વલસાડ જિલ્લામાં જાહેર રસ્તા પર બનેવીને પશુની માફક બાંધી સાળા અને તેના સાગરિતો જાહેરમાં માર મારતા હોવાના વાઈરલ થયેલા વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. વાઈરલ વીડિયોમાં એક સાળો તેના મિત્રો સાથે મળી તેના સગા બનેવીને જાહેરમાં બાંધી માર મારતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. બનેવીને આ રીતે માર મારવા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. સમગ્ર બનાવની વિગત પર નજર કરીએ તો,વલસાડના નવેરા ગામે રહેતા અને વાપી ખાતે એક કારના શોરૂમમાં ફરજ બજાવતા યુવકને ગતરોજ વાપીથી તેના સગા સાળાએ તેના મિત્રો સાથે આવી કારમાં ઉઠાવી ગયા હતા. ત્યાર બાદ વાપી નજીકની એક અવાવરું જગ્યાએ લઇ ગયા હતા અને તેના હાથ દોરડાથી બાંધી સ્ટમ્પથી માર માર્યો હતો. ત્યાર બાદ તેને વલસાડના નવેરા ગામે લાવી ચાર રસ્તા પર જાહેરમાં સ્ટમ્પથી માર માર્યો હતો. તે સમયે નજીકમાં ઉભેલા લોકોએ છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેની સાથે આવેલા તેના મિત્રોએ કોઈને આગળ આવવા દીધા ન હતા અને તેને મારીને ત્યાંથી કારમાં ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં સાળા બનેવી વચ્ચે કઈ વાતને લઇને આવું બન્યું તે હજુસુધી જાણી શકાયું નથી.
