આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધતા કોરોના કેસને લઈને રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરી હતી. બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે દેશમાં વધતા કોરોના કેસ ચિંતાનો વિષય છે.દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વડાપ્રધાન મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યાં છે. આ દરમ્યાન તેઓએ ચિંતા વ્યક્ત કરી છે. બેઠકમાં કોરોનાની વિકરાળ પરિસ્થિતિ અને વેક્સિનેશન પર ચર્ચા ચાલી રહી છે. મીટિંગમાં પીએમ મોદીએ જનતા પાસે કોરોનાથી બચવા માટેના સૂચનો માંગ્યાં છે.તેઓએ જણાવ્યું કે, ‘એક વાર ફરીથી દેશમાં પડકારરૂપ સ્થિતિ સર્જાઇ છે. દેશ ફર્સ્ટ વેવની પીકને ક્રોસ કરી ચૂક્યો છે અને આ વખતે સંક્રમણ પહેલાં કરતા વધારે છે જે એક ચિંતાનો વિષય છે. આ વખતે પહેલાની અપેક્ષાએ વધારે લોકો કેઝ્યુઅલ થઇ ગયા છે. ફરીથી દેશમાં યુદ્ધસ્તરે કામ કરવું પડશે. જનભાગીદારી સાથે સાથે ડોક્ટરો પણ સ્થિતિને સંભાળવામાં લાગી ગયા છે.’ વધુમાં તેઓએ જણાવ્યું કે, ‘વિશ્વભરમાં રાત્રિ કરફ્યુનો સ્વીકાર કરવામાં આવ્યો છે. નાઇટ કરફ્યુને આપણે કોરોના કરફ્યુના નામે યાદ રાખવો જોઇએ. કોરોનાને રોકવા માટે માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન પર ફોકસ ખાસ જરૂરી છે. આ વખતે આપણી પાસે કોરોના સામે લડવા માટે તમામ પ્રકારના ઉપાયો ઉપલબ્ધ છે. હવે તો વેક્સિન પણ છે.’
આ સિવાય તેઓએ વધુમાં જણાવ્યું કે, ‘હાલમાં સંપૂર્ણ લોકડાઉનની કોઇ જ જરૂર નથી. કન્ટેન્ટમેન્ટ ઝોન પર સૌથી વધારે ફોકસ રાખવું. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવે. 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં રસીકરણનો ઉત્સવ મનાવવામાં આવે. હાલમાં નાઇટ કરફ્યુ જ કાફી છે.’ આ સિવાય તેઓએ જણાવ્યું કે, ‘આપણે આ વખતે પરિસ્થિતિને જોતા કોરોના ટેસ્ટિંગ પર વધુ જોર આપવું જોઇ. આપણે શરૂઆતના લક્ષણમાં જ ડૉક્ટર પાસે જવું જોઇએ. કોરોના એક એવી ચીજ છે કે જ્યાં સુધી તેને તમે લઇને નહીં આવો, તો એ તમારી પાસે નહીં આવે. આપણે ટેસ્ટિંગ અને ટ્રેકિંગને વધારવું જોઇએ. આપણે કોઇ પણ રીતે પોઝિટિવિટી રેટને પાંચ ટકાથી નીચે લઇ જવાનો છે.’ દરેક રાજ્યો રાતમાં નાઇટ કરફ્યુ લગાવે. એક પણ વેક્સિનની બરબાદી ના થાય.’