મધ્યપ્રદેશના સતના જિલ્લાના ન્યાયાધીશના કોરોનાને કારણે થયેલા મૃત્યુએ જિલ્લા હોસ્પિટલને શંકાના ઘેરામાં લાવી દીધી છે. આરોગ્ય વિભાગે તેમના ઈલાજમાં હદ વગરની લાપરવાદી દાખવી હતી. એટલું જ નહીં, અવસાન બાદ ન્યાયાધીશના મૃતદેહના અંતિમસંસ્કાર અર્થે મ્યુનિસિપલ કોર્પોરેશને લાકડાં આપવાની પણ મનાઈ ફરમાવી દીધી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ, બુધવારે બપોરે 3.45 વાગ્યે કોરોના સંક્રમિત ADJને ગંભીર હાલતમાં 108 મારફત ટ્રોમાં યુનિટમાં નિર્માણ કરાયેલા ઈન્ફક્સિયમ ડિઝીઝ કંટ્રોલ વોર્ડમાં લઈ જવાયા હતા. ત્યાં ન્યાયાધીશને લઈ જવા માટે વ્હીલચેર અથવા સ્ટ્રેચર પણ નહોતું મળતું. હોસ્પિટલમાં કાર્ય કરતા સ્ટાફે પણ તેમને યોગ્ય સહકાર આપ્યો નહોતો અને સ્ટ્રેચરને શોધવામાં મદદ નહોતી કરી.
એમ્બ્યુલન્સના સ્ટાફે 20 મિનિટની મહામહેનતે ક્યાંકથી વ્હીલચેર શોધી અને તેમને હોસ્પિટલમાં પ્રવેશ કરાવ્યો હતો. ત્યાં ન્યાયાધીશની ચકાસણી અર્થે કોઈ ડોકટર પણ હાજર નહોતો. સ્ટાફની નર્સે તેમને ઓપીડીમાં લઈ જઈ રસીદ ફડાવીને ડોકટરની લેખિત અનુમતિ લાવવા માટે કહ્યું હતું. હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું હતું કે આ તમામ કાર્ય કર્યા પછી જ ક્યાં દાખલ કરવા એ નક્કી કરાશે. આટલા સમયમાં ન્યાયાધીશનાં પરિવારજનો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યાં અને વાતચીત કરીને તેમને દાખલ કરવાની પ્રોસેસ આગળ વધારી હતી, પરંતુ તેમને દાખલ કર્યા ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું અને ન્યાયાધીશ મૃત્યુ પામ્યા હતા. ન્યાયાધીશનાં પરિવારજનો ગુરુવારે સવારે 9 વાગે નારાયણ તળાવ પાસે આવેલા મુક્તિધામમાં પહોંચ્યા હતા, તો ત્યાં તેમને અંતિમસંસ્કાર માટે લાકડાં આપવાની મનાઈ ફરમાવી દીધી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને તોછડાઈપૂર્વક કહ્યું હતું કે અમારા પાસે લાકડાં નથી, તમે જાતે બંદાબસ્ત કરી લેજો. એવામાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા ફરજ બજાવી રહેલી કોલગાંવ પોલીસે ક્યાંકથી લાકડાંનો બંદોબસ્ત કર્યો હતો. આ તમામ પ્રકારની અડચણો પછી કોરોના સંક્રમિત જજનો અંતિમસંસ્કાર કરાયો હતો.