ટૂંક જ સમયમાં તમે મોબાઈલ પર એક ડિજિટલ વોલેટથી અન્ય વોલેટમાં યૂપીઆઈ વગર પૈસા મોકલી શકશો. આરબીઆઈએ બુધવારે જાહેર કરેલ મોનીટરી પોલિસીમાં ફુલ કેવાયસી પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ માટે ઈન્ટરઓપરેબિલિટીને ફરજીયાત બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. કેન્દ્રીય બેન્કે સાથે જ ફુલ કેવાયસી પીપીઆઈમાં આઉટસ્ટેન્ડિંગ ડિપોઝીટની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરવાનો પણ પ્રસ્તાવ મુક્યો છે.
હમણાં ફક્ત થોડીક કંપનીઓને આરબીઆઈના નિયમો હેઠળ ઈન્ટરઓપરેબિલિટીની મંજૂરી છે. આ કારણ છે કે મોટાભાગના કિસ્સાઓમાં, વોલેટમાં રાખેલ નાણાં એક જ પ્લેટફોર્મ પર સ્થાનાંતરિત કરી શકાય છે. ઉદાહરણ તરીકે, પેટીએમથી પેટીએમ અથવા ફોનપે પરથી માત્ર ફોનપેમાં ટ્રાન્સફર કરી શકાય છે. જો કે તમે તમારા બેંક ખાતા સાથે જોડાયેલા વોલેટમાંથી યુપીઆઈ દ્વારા નાણાં ટ્રાન્સફર કરી શકો છો, પરંતુ તે એક વોલેટ અથવા બેંકથી વોલેટ અથવા એક બેંકથી અન્ય બેંકમાં થાય છે.
આરબીઆઈના ઇન્ટરઓપરેબિલીટી પ્રસ્તાવ સાથે, તમે જુદા જુદા વોલેટ વચ્ચે નાણાંનો વ્યવહાર કરી શકો છો. એટલે કે, પેટીએમ વપરાશકર્તાઓ ફોનપે વોલેટ યૂઝરને પૈસા ટ્રાન્સફર કરી શકે છે. પ્રિપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં એન્ટિ મની લોન્ડરિંગથી સંબંધિત પાલનને પ્રોત્સાહન આપવા માટે, કેન્દ્રીય બેંકે પણ સંપૂર્ણ કેવાયસી પીપીઆઈમાં આઉટસ્ટેન્ડિંગ ડિપોઝીટ મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ કરવાની દરખાસ્ત કરી છે. દાસે કહ્યું કે આ પગલું પીપીઆઈને ફુલ-કેવાયસીમાં જવા માટે પ્રોત્સાહિત કરવા માટે લેવામાં આવ્યું છે. કેન્દ્રીય બેંક આ અંગે જરૂરી માર્ગદર્શિકા જારી કરશે.