રાજ્યમાં વણસી રહેલી કોરોનાની સ્થિતિને લઇ આજરોજ ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસના વડપણવાળી બેંચે સુનાવણી હાથ ધરી હતી. હાઈકોર્ટે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અને લોકોની થઇ રહેલી હાલાકીને લઇ રાજ્યની રૂપાણી સરકારની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટમાં સુરતમાં સીઆર પાટીલ પાસેના ઇન્જેક્શનને લઇને પણ સરકારે ખુલાસો કરતા બચાવ કર્યો હતો. સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં દલીલ રજૂ કરી હતી કે સુરતમાં રેમડિસિવર ઈન્જેકશન ચેરિટી માટે વિતરીત કરાયા હતા. જોકે તેમણે એમ નહીં જણાવ્યું કે આ ઇન્જેક્શન ક્યાંથી સીઆર પાટીલ પાસે પહોંચ્યા.એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં જણાવ્યું કે સુરતમાં રેમડેસિવર ઈન્જેકશન ચેરિટી માટે વિતરીત કરાયા હતા. જેમા લોકોને મદદરૂપ થવાનો આશય હતો. જેનો ઉપયોગ જરિયાતમંદ લોકો માટે જ કરાયો હતો. જોકે તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે આ ઇન્જેક્શન સીઆર પાટીલને ક્યાંથી મળ્યા?, ક્યા દાનવીરે આ ઇન્જેક્શન તેમને આપ્યા?આ મુદ્દે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રશ્ન કરાયો હતો તો તેમણે એ વાતની જાણકારી નથી અને આ પ્રશ્ન સીઆર પાટીલને જ કરવો એવું જણાવ્યું હતુ. તેમના આ જવાબથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના સંબંધો સપાટી પર આવી ગયા છે, તેવું સ્પષ્ટપણે જણાઇ આવે છે. રેમડેસિવિર ઇન્જેક્શને વિપક્ષે પણ મુદ્દો બનાવ્યો હતો અને રાજ્યની ભાજપ સરકાર અને સીઆર પાટીલ પર આકરા પ્રહાર કર્યા હતા મહત્વપૂર્ણ છે કે રેમડેસિવિર મેળવવા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે અને બીજું કે આ ઇન્જેક્શન રજિસ્ટર્ડ કેમિસ્ટ પર જ ઉપલબ્ધ હોય છે. આ ઇન્જેક્શન મેળવવા માટે દર્દીનો RT PCR રિપોર્ટ, દર્દીનો આધાર કાર્ડ, ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગેરેની જરૂર પડતી હોય છે. એવામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પાસે 5000 ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો તે મોટો પ્રશ્ન છે.
