હાઇકોર્ટે સુનાવણી દરમ્યાન વેક્સિન મુદ્દે પણ મહત્વની ટિપ્પણી કરી. હાઇકોર્ટે વેક્સિન ખાસ અસર ન કરી રહી હોવાનું અવલોકન કર્યું. હાઇકોર્ટે કહ્યું કે વેક્સિનના 2 ડોઝ લીધા પછી પણ લોકો સંક્રમિત થાય છે. રસી લીધા બાદ બેદરકારી દાખવતા લોકોને ટકોર કરતા કોર્ટે કહ્યું કે રસી લઇ લીધી એટલે તમે સલામત છો તેવું માની લેવાની બિલકુલ જરૂર નથી. રસી લીધા બાદ પણ સાવચેતી રાખવી જરૂરી છે તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે મહત્વની ટકોર કરી છે. હાઇકોર્ટે કહ્યું કે, કોરોનાની સ્થિતિને હળવાશથી લેવાની જરૂર નથી. ગુજરાત હાઇકોર્ટે કોરોનાની સ્થિતિ અંગે જણાવ્યું કે કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. સરકાર દ્વારા કહેવામાં આવે છે તેના કરતાં સ્થિતિ વધુ ગંભીર છે. વેક્સિનના બે ડોઝ લીધા પછી પણ લોકો સંક્રમિત થાય છે. રસીની વધુ અસર નથી. આ સાથે જ હાઇકોર્ટે ટેસ્ટિંગની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે.
હાઇકોર્ટમાં સરકારે કરેલી રજૂઆત બાદ કોર્ટે ફરી એક વખત સરકારનો ઉધડો લીધો. હાઇકોર્ટે સરકારને કડક શબ્દોમાં ફટકાર લગાવતા કહ્યું કે સરકાર જે રજૂઆત કરે છે તેનાથી બિલકુલ વિપરિત સ્થિતિ હાલમાં રાજ્યમાં સર્જાઇ છે. પરિસ્થિતિને હળવાશથી લેવાની બિલકુલ જરૂર નથી. હાઇકોર્ટે વેધક ટિપ્પણી સવાલ પૂછતા કહ્યું કે લોકોને ટેસ્ટિંગના રિપોર્ટ 3-3 દિવસે કેમ મળે છે. વીઆઇપી લોકોને તરત ટેસ્ટનું રિઝલ્ટ મળે છે પરંતુ સામાન્ય લોકોને કેમ તાત્કાલિક મળતા નથી. આપણે આટલા આધુનિક છીએ તેમ છતાં પણ કેમ આ પરિસ્થિતિ છે. હાઇકોર્ટે જણાવ્યું કે ગુજરાતમાં કોરોનાનો ગ્રાફ સતત વધતો જાય છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ માટેની લેબોરેટરી પણ નથી. હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવતા કહ્યું કે આપણે કોઇ રાજ્ય સાથે સરખામણી કરવાની જરૂર નથી. આપણે ગુજરાતમાં છીએ તો ફક્ત ગુજરાતની વાત કરો. સરકાર ટેસ્ટિંગની પ્રક્રિયા જેમ બને તેમ ખૂબ ઝડપી બનાવે.ગુજરાતમાં કોરોના વાયરસનો ગ્રાફ ઊંચે જઇ રહ્યો છે અને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે. કોરોનાએ વધુ એક સપાટી વટાવતાં છેલ્લા 24 કલાકમાં 5,469 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંક હવે 3,47,945 થયો છે. એક્ટિવ કેસનો આંક 27,568 છે, જ્યારે 203 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 20, સુરતમાં 18 સાથે રાજ્યભરમાં કોરોનાથી રેકોર્ડ 54ના મૃત્યુ થયા છે. કોરોનાથી એક જ દિવસમાં 50થી વધુ મૃત્યુ થયા હોય તેવું પ્રથમવાર બન્યું છે. આમ, રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક હવે 4,800 છે. એપ્રિલના 11 દિવસમાં જ રાજ્યમાં કોરોનાના 39,797 કેસ નોંધાયા છે અને 281ના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મિનિટે સરેરાશ 4 નવા કેસ નોંધાઇ રહ્યા છે.