કોરોનાના દર્દીઓની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવતાં તેની સારવાર માટે વપરાતાં રેમડેસિવિર ઇન્જેક્શનોનો જથ્થો બજારોમાં ખૂટી પડ્યો છે. ભારતમાં હાલ સાત કંપનીઓ રેમડેસિવિર ઇન્જેક્શનોનું ઉત્પાદન કરે છે. કંપનીઓએ ડિસેમ્બર મહિનાથી ફેબ્રુઆરીના અંત સુધીમાં એટલે કે ત્રણ મહિનાના ગાળા દરમિયાન રેમડેસિવિરનું ઉત્પાદન લગભગ શૂન્ય જેટલું કરી દીધું હતું. આ કારણોસર હાલ ખેંચ વર્તાઇ રહી છે, અને જરૂરિયાતને પહોંચી વળતાં હજુ અઠવાડિયાથી દસ દિવસનો સમય લાગશે. સૂત્રોએ ઉમેર્યું કે નવેમ્બર બાદ માંગ ઘટી હતી. આ ઇન્જેક્શન જલ્દી એક્સપાયર થતાં હોવાથી તેનું ઉત્પાદન અટકાવી દેવાયું હતું. રેમડેસિવિર ઇંજેક્શનનું એક વાયલ બનતાં ઓછામાં ઓછાં પાંચ દિવસ લાગે છે. તે પછી તેનાં ઉત્પાદન પછી તેનું સ્ટરિલીટી ટેસ્ટિંગ કરતાં 14 દિવસ લાગે છે, તે પછી 2 થી 8 ડિગ્રી તાપમાને તેને સંગ્રહિત કરીને ટ્રાન્સપોર્ટ કરતાં ત્રણથી ચાર દિવસ લાગી શકે. આમ ઇન્જેક્શનનું એક દર્દી સુધી પહોંચતા વીસ દિવસ જેટલો સમય લાગે છે.
