DRDOના સહયોગથી અમદાવાદના જીએમડીસી કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની ઓકિસજનની સુવિધાવાળી હોસ્પિટલ તાત્કાલિક ઊભી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહને વિનંતી કરી છે, ટૂંકસમયમાં જ મંજૂરી મળશે એવી અમને આશા છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાઇકોર્ટના આદેશ પછી સરકાર દ્વારા લેવાયેલા પગલાની જાહેરાત કરતા કહ્યું હતું. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા GMDC ગ્રાઉન્ડમાં આવતીકાલથી ડ્રાઇવ થ્રુ RTPCR ટેસ્ટ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કારમાં બેઠા બેઠા સેમ્પલ આપી શકશે અને 24થી 36 કલાકમાં વોટ્સએપ કે મેઈલ પર રિપોર્ટ આપવામા આવશે. મોબાઈલથી qr કોડ સ્કેન કરી અને ટોકન લઈ GMDC ગ્રાઉન્ડમાં ક્લેકશન સેન્ટર પર આપી શકાશે. પ્રાપ્ત વિગતો પ્રમાણે આ પહેલથી ટેસ્ટ માટે દિવ્યાંગો, વૃદ્ધો અને બિમાર વ્યક્તિઓને લેબમાં રાહ નહીં જોવી પડે.મોબાઈલથી QR કોડ સ્કેન કરી અને ટોકન લઈ GMDC ગ્રાઉન્ડમાં ક્લેકશન સેન્ટર પર આપી શકાશે. ટેસ્ટ માટેના નાણાંની ચુકવણી ઓનલાઈન અને રોકડથી સ્થળ પર જ કરી શકાશે. આ માટે પાંચ કલેક્શન સેન્ટરો તૈયાર કરવામાં આવ્યાં છે. જ્યાં સવારે આઠ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી ટેસ્ટ કરાવી શકાશે. ટેસ્ટનો ચાર્જ 800 રૂપિયા રાખવામાં આવ્યો છે. શહેરમાં કોરોનાના કેસ રોજે રોજ નવો રેકોર્ડ રચી રહ્યા છે. 12 મી એપ્રિલે અમદાવાદમાં 1907 કેસ નોંધાયા છે. એક અંદાજ મુજબ શહેરમાં દર બે મિનિટે 3 નાગરિકો પોઝિટિવ આવ્યા છે. અગાઉ 15 દિવસે કેસ ડબલ થતાં જેની સામે હવે 4 દિવસમાં જ કેસ બમણા થઈ રહ્યા છે. જ્યારે 20 દર્દીના કોરોનાથી મૃત્યુ નીપજ્યાં છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો લગભગ ફૂલ થઈ ગઈ છે. ખાનગી હોસ્પિટલોમાં માત્ર 624 બેડ ખાલી છે. તેમાંય વેન્ટિલેટરના તો માત્ર 22 જ બેડ ખાલી છે. શહેરમાં કોર્પોરેશનના ચોપડે એક્ટિવ કેસનો આંકડો 5705 પર પહોંચ્યો છે. જ્યારે અનેક દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.
