કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણે મંગળવારે વિશ્વ બેંકના અધ્યક્ષ ડેવિડ માલપાસ સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં સરકાર મોટા પાયે લોકડાઉન લાગુ નહીં કરે અને ફક્ત સ્થાનિક કન્ટેનમેન્ટ દ્વારા મહામારીનો સામનો કરશે તેમ સ્પષ્ટ કર્યું હતું.નાણાં મંત્રાલયની ટ્વીટમાં લખ્યું હતું કે, ‘નાણાં મંત્રીએ વિશ્વ બેંકના પ્રમુખ સાથે મહામારીની બીજી લહેરનો સામનો કરવા માટે ભારત તરફથી ઉઠાવવામાં આવતા પગલાઓની સમીક્ષા શેર કરી. તેમાં ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ, વેક્સિનેશન સહિતની 5 સ્તંભની યોજના સામેલ છે.’નાણાં મંત્રીએ કહ્યું હતું કે, બીજી લહેર સાથે અમે સંપૂર્ણપણે સ્પષ્ટ છીએ કે, મોટા પાયે લોકડાઉન લાગુ નહીં કરવામાં આવે. અમે અર્થતંત્રને સંપૂર્ણપણે અવરોધવા નથી માંગતા. સ્થાનિક સ્તરે દર્દીઓના આઈસોલેશન કે હોમ ક્વોરેન્ટાઈન દ્વારા સ્થિતિ સંભાળી શકાશે. બીજી લહેરને સંભાળી લેવાશે અને લોકડાઉન નહીં લાગુ કરાય.
ભારતમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બની ગયું છે અને કેસની સંખ્યાની સાથે જ મૃતકઆંક પણ ઉંચો જઈ રહ્યો છે. દેશમાં પહેલી વખત રેકોર્ડ સમાન 1.85 લાખથી પણ વધારે નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 13 લાખને પાર કરી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ દેશમાં કોરોનાના 1.5 લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.85 લાખથી પણ વધારે કેસ નોંધાયા તેથી દેશમાં સંક્રમિતોનો આંકડો 1.38 કરોડને પાર પહોંચી ગયો છે. જ્યારે 1,000થી પણ વધારે લોકોના મોત સાથે કુલ મૃતકઆંક 1,72,115 થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જ્યારે કોરોનાના દર્દીઓના સાજા થવાના દરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના દર્દીઓનો ગ્રાફ ઝડપથી ઉંચો જઈ રહ્યો છે. કોરોના સંકટને કાબૂમાં લેવા માટે મહારાષ્ટ્રમાં ‘બ્રેક ધ ચેઈન’ અભિયાન અંતર્ગત 15 દિવસ સુધી કલમ 144 લાગુ રહેશે. આ દરમિયાન ફક્ત જરૂરી સેવા માટે જ ઘરેથી બહાર નીકળી શકાશે.