ગુજરાતમાં હાલમાં રેમડેસિવિર ઈન્જેક્શનની બૂમ ઉઠી છે. આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરતમાં ભાજપ કાર્યાલય ઉપર પાંચ હજાર ઈન્જેક્શનનું વિતરણ કરાતા તેની સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સામે ઇન્જેક્શનની વહેંચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માંગ કરી છે. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રેમડેસિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા બદલ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર પાટીલ સામે જાહેર હિતની 36 પાનાની અરજી કરી છે. તેમાં ગુજરાત સરકાર અને સુરતના ધારાસભ્ય હર્ષ સંધવી સામે “અન-ઓથોરાઝ઼ડ ડિસ્ટીબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન” ના મુદ્દે જવાબ માંગતા મુદ્દા ઉઠાવવામાં આવતા આ પ્રકરણ ટોક ઓફ ધ ગુજરાત બન્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં સી.આર પાટીલ દ્વારા 5000 રેમડેસિવિર ઈન્જેક્શન વિતરણ મામલે મુખ્યમંત્રી રૂપાણીએ શનિવારે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સી.આર પાટીલે ઈન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી એ વિશે તેમને જ પૂછો.
સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી. તેમણે કહ્યું, ગુવાહાટીથી જે આવી રહ્યું છે એની સાથે સરકારને કંઈ લાગતુંવળગતું નથી.
આમ ભાજપ માં જ આંતરિક મતભેદો વચ્ચે હવે કોંગ્રેસે પણ તપાસ ની માંગ કરતા મામલો ગરમાયો છે.