કોરોના સામે જંગ ખેલી રહેલા ફ્રન્ટ વોરિયર્સ ને મુખ્યમંત્રી રૂપાણીએ અભિનંદન પાઠવ્યાં છે. રૂપાણીએ ફેસબુકના માધ્યમથી કરેલા ઓનલાઈન સંબોધન માં જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી આપણો દેશ, આપણું ગુજરાત કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. આ મહામારી સામે લડાઈ સરકાર લડી રહી છે. રાજ્ય અને દેશનો એક એક સામાન્ય માણસ પણ આ લડાઈ લડી રહ્યો છે. પરંતુ મહામારી સામેની આ માનવતાની લડાઈમાં જો કોઈનું સૌથી મોટુ યોગદાન રહ્યું હોય તો એ ડોક્ટર્સ, નર્સ, મેડિકલ પેરા મેડિકલમાં કામ કરનારા ભાઈઓ બહેનોનું રહ્યું છે.
આજે ગુજરાતની સાડા છ કરોડની જનતા વતી હું તમામ ડોક્ટર્સ, નર્સ, મેડિકલ, પેરા મેડિકલ સ્ટાફને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. આપના થકી ગુજરાત આ લડાઈ લડી શક્યું છે. આપના થકી જ આપણે લાખો લોકોના જીવ બચાવી શક્યા છીએ. વર્ષ પહેલાં જ્યારે આ મહામારીની શરુઆત થઈ ત્યારથી આપ પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરીને જાનની બાજી લગાવીને આ કોરોના સામે લડી રહ્યાં છો. આપે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના લોકોની સેવા કરી છે. જેમાં કેટલાય ડોક્ટર્સ, નર્સ અને મેડિકલ સ્ટાફે તેમના જીવ પણ ગુમાવ્યા છે.
ગુજરાતની જનતા આપની સાથે છે. આપણે કોરોનાની લડાઈની જીત મેળવવામાં નજીકમાં છીએ. ઝડપથી વેક્સિનેશન પર કામ થઈ રહ્યું છે. આપણે મહામારીમાંથી વેક્સિન થકી બહાર નીકળીશું. આપણે સાથે મળીને કોરોના સામે લડીશું. ત્રણ લાખથી વધુ દર્દીઓની સેવા કરીને તેમને સાજા કરીને ઘરે મોકલ્યા છે. હું આરોગ્ચ કર્મીઓનો આભાર માનું છું. કોરોના હારશે, ગુજરાત જીતશે. તેમ તેઓ એ ઉમેર્યું હતું.