રાજ્યમાં કોરોનાએ તમામ પ્રકારની હદ વટાવી દીધી છે. હવે સંક્રમિત દર્દીઓના સૌથી વધુ કેસ નોંધાવા માંડ્યા છે. ત્યારે કોરોનાનો નવો સ્ટ્રેઈન પહેલાં કરતાં વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે. સંક્રમિત થયેલા દર્દીઓનું ઓક્સિજન લેવલ અગાઉ છ દિવસે ઘટતું હતું જે અત્યારે બીજા દિવસે જ ઘટી જાય છે.જેના પરિણામે હોસ્પિટલમાંથી દર્દીઓની ડિસ્ચાર્જ સંખ્યામાં ઘટાડો થયો છે અને મૃત્યુદર પણ વધ્યો હોવાનું ડોક્ટરો પાસેથી જાણવા મળ્યું છે. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરોમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે દાખલ થવામાં હાલાંકી ભોગવવી પડી છે. સરકાર પુરતા બેડ હોવાની વાતો કરે છે. ત્યારે AAHNAએ દાવો કર્યો છે કે શહેરની ખાનગી હોસ્પિટલો 96 ટકા ભરાઈ ગઈ છે. જેમાં વેન્ટિલેટર બેડ 99 ટકા અને ઓક્સિજન બેડ 98 ભરાઈ ગયાં છે. હાલમાં ખાનગી હોસ્પિટલોમાં 5817માંથી કુલ 227 બેડ ખાલી છે.
અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટેની 154 ખાનગી હોસ્પિટલોમાં 5817માંથી હવે કુલ 227 બેડ ખાલી છે. જેમા આઈસોલેસનમાં 129, HDUમાં 78, વેન્ટિલેટર વિના ICUમાં 14 અને વેન્ટિલેટર સાથે ICUમાં 6 બેડ ખાલી છે. તે ઉપરાંત કોવિડ કેર સેન્ટરની વાત કરીએ તો 363 બેડ ખાલી છે. અમદાવાદમાં હાલમાં કોરોનાનો અજગર ભરડો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર કરવા માટે બેડ ઉપલબ્ધ નથી આવી પરિસ્થિતિમાં AMCએ ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિસિપલ ક્વોટામાં 20 ટકા બેડ રિઝર્વ રાખવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટની ફટકાર બાદ સરકારે શહેરની SVP હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેરાત કરી હતી. જ્યારે આજે દર્દીઓની સારવાર માટે વીએસ જનરલ હોસ્પિટલ, એલ.જી જનરલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ( ગાયનેક ઈમર્જન્સી સિવાય)ને સંપૂર્ણ પણે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.