વડોદરા શહેરમાં કોરોના મહામારીની શરૂઆત બાદ આઠ મહિના પહેલા વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી દ્વારા કોરોના દર્દીઓની સારવાર માટે રૂ. 50 લાખના ખર્ચે 7 રોબોટ ખરીદવામાં આવ્યા હતા. જે છેલ્લા કેટલાક વખતથી ‘કોરોનાગ્રસ્ત’ થઇ ગયા છે. 50 લાખ રૂપિયાનો ખર્ચ કર્યાં પછી પણ આ 7 રોબર્ટનો ઉપયોગ થતો ન હોવાથી હાલ ધૂળ ખાઇ રહ્યા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં ત્રણ અને ગોત્રી હોસ્પિટલમાં ચાર મળી આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલાં કોરોનાના દર્દીઓની સારસંભાળ રાખવા સાત રોબોટ લાવવામાં આવ્યાં હતા. આ રોબોટ સ્ક્રિનિંગ અને આઇસોલેશન વોર્ડમાં દર્દીઓ માટે દવા લઇ જવાનું કામ કરતા હતા. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી અંતર્ગત ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં રૂપિયા 50 લાખના ખર્ચે ખરીદવામાં આવેલા 7 રોબોટ પણ હાલમાં કોરોનાગ્રસ્ત થઇ ગયા છે. શરૂઆતના એકાદ મહિના સુધી રોબર્ટ સરકારી દવાખાનામાં કાર્યરત હતા, તે પછી છેલ્લા સાત મહિનાથી બંધ હાલતમાં ધૂળ ખાતા પડ્યા છે. આ રોબોટ અંગે સયાજી હોસ્પિટલના આર.એમ.ઓ. ઓ.બી.બેલીમે જણાવ્યું હતું કે, હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં બે રોબોટ સહિત હોસ્પિટલના અન્ય વિભાગમાં રોબોટ મૂકવામાં આવ્યા હતા, પરંતુ, રોબોટ કરતા વધુ ઝડપે માણસ કામ કરતા હોવાથી રોબોટ ઉપયોગમાં લેવામાં આવતા નથી. રોબોટની કામ કરવાની સ્પિડ નથી, તો લાખ્ખો રૂપિયાના ખર્ચે રોબોટ શા માટે મંગાવવામાં આવ્યા. જો રોબોટના બદલે વેન્ટિલેટર વસાવ્યા હોત તો હાલની પરિસ્થિતિમાં કામ લાગ્યા હોત.
