ગુજરાતમાં કોરોના વાયરસ ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે અને દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસ અને મૃત્યુ થઇ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં આજે શુક્રવાર 16 એપ્રિલના રોજ ફરી કોરોનાના નવા 8920 કેસો નોંધાયા છે તો વધુ 94 લોકોના મોત નિપજ્યાં છે. આમ ગુજરાતમાં દૈનિક સંક્રમણના નવા કેસ અને મૃત્યુઆંક ફરી રેકોર્ડ બ્રેક છે.
રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં હવે સ્થિતિ અત્યંત ગંભીર થતી જોવા મળી રહી છે. એવામાં આજ રોજ અમદાવાદમાં વધુ નવા 2898, સુરતમાં 1920, રાજકોટમાં 759 અને વડોદરામાં 600 કેસો નોંધાયા છે.
કુલ 5170 દર્દીઓના મોત
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 94 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 25, સુરતમાં 24, રાજકોટમાં 8 અને વડોદરામાં 8 દર્દીઓના મોત થયા છે. તો રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 5170 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 49 હજારએ પહોંચી
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 3387 દર્દીઓ સાજા થયા છે તો આજ દિન સુધીમાં કુલ 3 લાખ 29 હજાર 781 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 49 હજાર 737 એ પહોંચી છે. જ્યારે 283 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. 49,454 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે.
જાણો ક્યાં કેટલાં કેસ, ડિસ્ચાર્જ અને કેટલાં લોકોનું થયું રસીકરણ?
હાલમાં રાજ્યમાં કોરોનાની સારવાર માટે હોસ્પિટલોની બહાર જે લાઈનો લાગી રહી છે તેને જોતા લોકોને એક જ વિનંતી છે કે તેઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરે અને રસીકરણ અપનાવે, ભીડભાડમાં જવાનું ટાળે તેમજ કામ વગર ઘરની બહાર જવાનું પણ ટાળો. નાના બાળકોમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. હવે મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
અમદાવાદની સિવિલમાં ICU બેડ ફૂલ
અમદાવાદની સિવિલમાં ICU બેડ ફૂલ થઇ ગયા છે. બીજી તરફ ઓક્સિજનની માંગમાં પણ 3 ગણો વધારો થયો છે. તો બીજી બાજુ સુરત સિવિલ અને સ્મીમેરમાં કોરોના પોઝિટિવ તેમજ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા એક હજાર 649 થઈ ગઇ છે. બંને હોસ્પિટલમાં કુલ 1,413 દર્દીઓની હાલત ગંભીર છે. તો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સિવિલમાં ટોકન આપવા છતાં રેમડેસિવિર ઇન્જેક્શન ન મળતા સ્વજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સવારથી જ 200 લોકો લાઇનમાં હતાં છતાં રેમડેસિવિર ન મળતા હોબાળો
પાલનપુર સિવિલમાં રેમડેસિવિરને લઈને હોબાળો થયો છે. સવારથી જ 200 લોકો લાઇનમાં ઊભેલા હતાં. જો કે સિવિલ સત્તાવાળાઓએ એમ કહ્યું હતું કે, ‘ઇન્જેક્શન નથી.’