અમદાવાદઃ ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસની વધુ એક ભયંકર લહેરથી કિંમતી ધાતુઓમાં ફરી તેજીની ચાલ જોવા મળી રહી છે. અમદાવાદના બુલિયન બજારમાં શુક્રવારે સોનું પણ મોંઘુ થયુ હતુ અને ચાંદીની કિંમતો અઢી મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગઇ હતી. આજે શુક્રવારે અમદાવાદમાં સોનાની કિંમત 350 રૂપિયા વધીને 48,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. તો ચાંદીમાં આજે 1000 રૂપિયાનો ઉછાળો નોંધાયો અને એક કિગ્રાનો ભાવ 71,000 રૂપિયાની કુદાવી 71,500 રૂપિયા થયો હતો જે છેલ્લા અઢી મહિનાનો સૌથી ઉંચો ભાવ છે. સ્થાનિક બજારમાં છેલ્લે 1લી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક બજારમાં ચાંદીની કિંમત 73,000 રૂપિયા પ્રતિ કિગ્રા નોંધાઇ હતી.
આજે દિલ્હીના બુલિયન બજારમાં સોનાની કિંમત માત્ર 9 રૂપિયા વધી અને પ્રતિ 10 ગ્રામ દીઠ 46431 રૂપિયા થઇ હતી. તો ચાંદી પણ 63 રૂપિયા સુધરીને પ્રતિ 1 કિગ્રા દીઠ 67460 રૂપિયા થઇ હતી.
વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં ફંડામેન્ટ્લ તેજી તરફી છે. આજે વૈશ્વિક બજારમાં સોનું 1764 ડોલર અને ચાંદી 25.87 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયા હતા.