કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવવા સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજે જામનગર ખાતે જીજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તો વધુમાં આજે કચ્છ જિલ્લાની મુલાકાતે પણ તેઓ પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જ્યાર બાદ સીએમએ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડૉક્ટર્સ, પેરા મેડિકલ સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફ સાથે મુલાકાત કરી હતી અને તેઓની કામગીરીને બિરદાવીને અભિનંદન આપ્યા હતાં. ત્યાર બાદ સીએમએ દર્દીઓના સગાં-વ્હાલાંઓ સાથે રૂબરૂ મુલાકાત કરીને સારવાર સંદર્ભે પૂછપરછ કરીને પરિવારજનો ઝડપથી સ્વસ્થ બનશે એવી શુભેચ્છા આપી હતી. જો કે, સીએમ રૂપાણીએ કચ્છની મુલાકાત દરમિયાન રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણને કારણે રાત્રિ કરફ્યુને લઇને મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘જો રાજ્યમાં સ્થિતિ વધારે વણસી તો 20 શહેર ઉપરાંત રાત્રિ કર્ફ્યુ લગાવાશે. કચ્છને 2000 બેડની હોસ્પિટલ ફાળવાશે.’આ સાથે સીએમએ કચ્છમાં જ્યાં કેસો ઓછાં આવી રહ્યાં છે. ત્યાં સમીક્ષા બેઠક પછી ટેસ્ટ વધારવા માટે સૂચન કર્યાં હતાં અને RTPCR ટેસ્ટ કચ્છમા વધારી કચ્છને નવુ મશીન રાજ્ય સરકાર આપશે તેવી જાહેરાત કરી હતી.
આ સાથે જ 24 કલાકમાં રિપોર્ટ આવી જાય તેવી વ્યવસ્થા માટે પણ સૂચના આપી હતી. આ ઉપરાંત કચ્છમાં વેન્ટિલેટર ઓછા હોવાની ફરિયાદો ધારાસભ્યો અને અધિકારીઓ તરફથી મળી હતી. જેના લીધે કચ્છમાં નવા ૮૦ વેન્ટિલેટર આપવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી હતી. જિલ્લા મથક ઉપરાંત તમામ તાલુકા મથકોએ નવા ર૦૦૦ બેડની સુવિધા ઉભી કરવાનો નિર્ણય આજની બેઠકમાં કરાયો છે.ઉલ્લેખનીય છે કે, જામનગરમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે જામનગરમાં જીજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સ્થિતિ સામેની સરકારની સંવેદનશીલતા પણ સામે આવી. હોસ્પિટલ ખાતે સીએમ રૂપાણીએ દર્દીઓના સ્વજનોની સાથે નીચે બેસીને સંવાદ કર્યો અને તેમને મળી રહેલી સુવિધા તેમજ મુશ્કેલીઓ અંગે પણ માહિતી મેળવી.ઉપરાંત તેમના હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વાસ્થ્ય અંગે પણ ખબર અંતર પણ પૂછ્યાં. મુખ્યપ્રધાને દર્દીઓના સ્વજનોને હિંમત આપતા કહ્યું કે, સરકાર તેમની સાથે ઉભી છે. દર્દીઓને તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. આ સાથે જ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને જીજી હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવી રહેલા ડોક્ટર્સ અને નર્સિગ તેમજ પેરામેડિકલ સ્ટાફના કર્મચારીઓ સાથે પણ સંવાદ સાધ્યો અને તેમની કામગીરીને બિરદાવી હતી. મુખ્યપ્રધાને સમગ્ર સ્ટાફની સેવાને વખાણવાની સાથે કોરોના સામેની આગળની લડતમાં હજુ આવી જ હિંમત રાખી કામગીરી કરવા ડૉક્ટર્સ તથા નર્સિંગ સ્ટાફને પ્રોત્સાહિત કર્યો હતો.