આજે પણ એવી ઘણી સંસ્થાઓ છે કે જે મહિલાઓને રાત્રે કામ નથી કરાવતી. તેઓ રાત્રિના કામ માટે મહિલાઓની જગ્યાએ પુરુષોને નોકરી આપવામાં પ્રાથમિક આપે છે. તેના કારણે મોટી સંખ્યામાં રાતની નોકરી માટે પાત્ર મહિલાઓ રોજગારથી વંચિત રહી જાય છે. જોકે હવે કેરળમાં આવું નહીં થાય. હકીકતમાં કેરળની હાઇકોર્ટે શુક્રવારે પોતાના એક ચુકાદામાં કહ્યું છે કે, “કોઇ યોગ્ય ઉમેદવારને માત્ર એ આધારે નિયુક્ત કરવાથી ઇનકાર નથી કરી શકાતું કે તે એક મહિલા છે અને રોજગારની પ્રકૃતિ અનુસાર તેને રાત્રે કામ કરવુ પડશે.ઉલ્લેખનીય છે કે જસ્ટિસ અનુ શિવરામનની ખંડપીઠ એક અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં કેરળ મિનરલ્સ અને મેટલ્સ લિમિટેડ દ્વારા ફક્ત પુરુષ ઉમેદવારોને જ અરજી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. કંપનીની આ જોગવાઈને પડકારતા અરજદાર ટ્રેજા જોસેફાઇએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા. તે કંપનીમાં ગ્રેજ્યુટ એન્જીનિયર ટ્રેની (સેફ્ટી) છે. તેમણે કોર્ટને કહ્યું કે આ જાહેરાત ભેદભાવપૂર્ણ છે. આવી સ્થિતિમાં હાઈકોર્ટે કહ્યું કે આપણે કાર્યસ્થળને વધુ સારી અને સમાનતાવાળું બનાવવું પડશે અને સંજોગોને ટાંકીને મહિલાઓને રોજગારની તકો નકારવી નહીં. આપણે અડધી વસ્તીને દરેક ક્ષેત્રમાં વધુને વધુ તકો આપવી પડશે. તેની સાથે જ કોર્ટે કંપની દ્વારા નોકરી માટે જાહેર કરાયેલી જાહેરાતમાં ફેરફાર કરાયા. હાઈકોર્ટે કહ્યું, “આવી સૂચના ભારતીય બંધારણના આર્ટિકલ 14, 15 અને 16ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. જ્યારે ફેક્ટરી એક્ટ 1948ની જોગવાઈઓ કાર્યસ્થળે મહિલાઓને શોષણથી બચાવવા માટે છે.” કોર્ટે કહ્યું “દુનિયા આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં મહિલાઓને માત્ર ઘરના કામમાં જ કેમ રોકવામાં આવે છે. અમે એક એવા મુકામે પહોંચી ગયા છે, જ્યાં આર્થિક વિકાસના ક્ષેત્રમાં મહિલાઓના યોગદાનને અવગણી શકાય નહીં. મહિલાઓને સ્વાસ્થ્ય સેવા, ઉડ્ડયન અને માહિતી તકનીક સહિતના ઘણા ઉદ્યોગોમાં દરેક સમયે કામ કરવા માટે લગાવવામાં આવી રહી છે. આ પ્રકારના પડકારોનો સામનો કરી મહિલાઓએ સાબિત કરી દીધું છે કે તેઓ દરેક સમયે કોઈપણ પ્રકારનું કામ કરવામાં સક્ષમ છે.’
