કોરોના મહામારી વચ્ચે થઈ રહેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈ અનેક પ્રકારના સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી બાદ હવે ટીએમસી પ્રમુખ મમતા બેનરજીએ પણ આગળ આવી ચૂંટણી પ્રચાર ન કરવાનો નિર્ણય લીધો છે. ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને ટ્વીટ કરીને મમતા બેનરજી હવે કોલકાતામાં ચૂંટણી પ્રચાર નહીં કરે તેવી માહિતી આપી હતી. રાહુલ ગાંધીએ રવિવારની ટ્વીટમાં લખ્યું હતું કે, કોરોના સંક્રમણના કારણે તેઓ પોતાની બંગાળની તમામ રેલીઓ રદ્દ કરે છે. રાહુલ ગાંધીએ બંગાળમાં હજુ 2 રેલી જ કરી છે. તેમણે 14 એપ્રિલના રોજ ઉત્તર દિનાજપુર અને દાર્જિલિંગ જિલ્લામાં રેલીઓ કરી હતી.
રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘કોવિડ સંકટને ધ્યાનમાં રાખીને મેં પશ્ચિમ બંગાળની મારી તમામ રેલીઓ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. રાજકીય દળોએ વિચારવું જોઈએ કે, આવા સમયમાં આ રેલીઓથી જનતા અને દેશને કેટલું જોખમ છે.’દેશમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છો. હવે દૈનિક 2 લાખથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 2,73,810 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેની સાથે જ કુલ કેસોની સંખ્યા 1.5 કરોડ ઉપર જતી રહી છે. દેશમાં અત્યાર સુધી કુલ 1,50,61,919 કોરોના કેસ નોંધાઇ ચુક્યા છે. આ ઉપરાંત કોરોના દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1,619 દર્દીને ભરખી ગયો છે. તેની સાથે જ મૃત્યુઆંક પણ 1,78,769એ પહોંચ્યો છે.