રાજ્યમાં ગત રોજ રવિવારના છેલ્લાં 24 કલાકમાં જ નવા 10,340 કેસો નોંધાયા હતાં. જેને અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. જ્યારે મોતનો આંકડો પણ 100ને પાર થઇ ગયો છે એટલે કે ગત રોજ નવા 110 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં વાત કરીએ મહાનગરોની તો એવામાં આજ રોજ અમદાવાદમાં વધુ નવા 3694, સુરતમાં 2425 અને રાજકોટમાં 811 નવા કેસો નોંધાયા છે ત્યારે તાજેતરમાં જ રાજ્યની સૌથી મોટી જેલ એટલે કે સાબરમતી જેલમાં પણ કોરોના વિસ્ફોટ થયાના સમાચાર સામે આવ્યાં છે. સાબરમતિ જેલમાં 24 કલાકમાં 35 કેદીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. કુલ 55 કેદીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જેલમાં દરેક કેદીઓના કોરોના ટેસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યો છે.તમને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા સાબરમતિ જેલમાં કેદીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં ગણતરીના કલાકોમાં જ 35 દર્દીઓ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર જેલ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે કુલ 55 જેટલા કેદીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ અંગે જેલના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘જેલમાં હાલ કેદીઓનું ટેસ્ટીગ કરવામાં આવી રહ્યું છે જેમાં પોઝિટિવ રિપોર્ટ આવનાર કેદીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.’
